પાકિસ્તાનમાં રવિવારે નાટકીય રાજકીય ઘટનાક્રમ સોમવારે વધુ નાટકીય બન્યો હતો. અને મંગળવારે તો આખું કોકડું કોર્ટમાં અને વહિવટી બાબતોમાં ગૂંચવાયું હતું. સુપ્રીમ કોર્ટમાં સોમવારે અને મંગળવારે થોડી સુનાવણી પછી ફરી મામલો બુધવાર ઉપર ઠેલાયો હતો. તો બીજી તરફ દેશના ચૂંટણી પંચે વડા પ્રધાન ઈમરાન ખાનને કહી દીધું હતું કે ત્રણ મહિનામાં દેશમાં સંસદની – રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી યોજી શકાય તેમ નથી. બીજી તરફ વચગાળાની – રખેવાળ સરકારના વડા – કાર્યકારી વડા પ્રધાન નિમવાની કવાયતમાં સામેલ થવાનો વિરોધ પક્ષના નેતા શેહબાઝ શરીફે ઈનકાર કર્યો હતો.

દેશની રાજકીય અસ્થિરતા માટે ઈમરાન ખાન અમેરિકા સામે ખુલ્લેઆમ આંગળી ચિંધિ રહ્યા છે, તો લશ્કરના વડાએ અમેરિકાની કોઈ દખલ નહીં હોવાનું જણાવી ઈમરાન ખાનના આક્ષેપોનો છેદ ઉડાવી દીધો હતો. આ અગાઉ, રવિવારે સંસદમાં ઈમરાન ખાનની સરકાર સામે વિરોધ પક્ષોની અવિશ્વાસની દરખાસ્ત ઉપર ચર્ચા અને મતદાન થવાના હતા, તે ઘટનાક્રમને અટકાવી દઈ ઈમરાને ભલામણ કરતાં રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભા – સંસદનું વિસર્જન કરી નાખ્યું હતું.

નેશનલ એસેમ્બલીમાં બહુમતી ગુમાવી ચુકેલા વડાપ્રધાન ઈમરાન ખાને છેલ્લા બોલે યોર્કર ફેંકીને આર્મી અને વિપક્ષ સહિતના તમામ હરીફોને ક્લીન બોલ્ડ કરી દીધા હતા. સંસદમાં ઈમરાન સરકાર સામે રજૂ થયેલી અવિશ્વાસ દરખાસ્ત પર મતદાન થવાનું હતું, પરંતુ કાર્યવાહી શરૂ થયાના પાંચ મિનિટમાં ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સુરીએ અવિશ્વાસ દરખાસ્ત જ ફગાવી દીધી હતી. આ પછી ઈમરાન ખાને સંસદે ભંગ કરવાની ભલામણ કરી હતી, જે પ્રેસિડન્ટે સ્વીકારી લીધી હતી. પાકિસ્તાનમાં હવે 90 દિવસમાં ચૂંટણી યોજાશે. જો કે ઇમરાન સરકારની આ હિલચાલને વિપક્ષે ગેરબંધારણીય ગણાવી સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. આમ પાકિસ્તાનમાં હવે રાજકીય અરાજકતા અને બંધારણી કટોકટી વધુ વણસી છે.

નેશનલ એસેમ્બલીમાં ઇમરાન ખાન સામેની અવિશ્વાસ દરખાસ્તમાં સરકારનું પતન નિશ્ચિત ગણાતું હતું, કારણ કે ઇમરાનના પક્ષના આશરે એક ડઝન સાંસદોએ બળવો કર્યો હતો અને સાથી પક્ષોએ સમર્થન પાછું ખેંચી લીધું હતું. જો કે ડેપ્યુટી સ્પીકર કાસીમ સુરીએ અવિશ્વાસ દરખાસ્ત જ ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી હતી. આ નિર્ણયનો વિરોધ પક્ષે જોરદાર વિરોધ કર્યો હતો.

રાષ્ટ્રને કરેલા સંબોધનમાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્રીય ધારાસભાનું વિસર્જન અને નવેસરથી ચૂંટણી યોજવાની ભલામણ કરી છે. દેશે નવી ચૂંટણી માટે તૈયાર રહેવું જોઇએ. અવિશ્વાસની દરખાસ્ત વિદેશી એજન્ડા હતો. કોઇ ભ્રષ્ટ તાકાત દેશનું ભાવિ નક્કી કરી શકે નહીં. પાકિસ્તાનના પ્રેસિડન્ટ આરિફ અલ્વીની ઓફિસે જણાવ્યું હતું કે વડાપ્રધાનની સલાહ મુજબ પ્રેસિડન્ટે નેશનલ એસેમ્બ્લીનું વિસર્જન કર્યું છે

જોકે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સુઓ મોટો આ નાટકીય ઘટનાક્રમની નોંધ લઈ લાર્જર બેન્ચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. વિરોધ પક્ષોએ પણ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને જણાવ્યું હતું કે સત્તાધારી પાર્ટીએ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.

અગાઉ નેશનલ એસેમ્બલીની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કાયદા પ્રધાન ફવાદ ચૌધરીએ મોરચો સંભાળ્યો હતો. તેમણે પોતાના ચાર મિનિટના ભાષણમાં દાવો કર્યો કે ઈમરાન ખાનની સરકારને પાડવા જે વિદેશી તાકાત પ્રયાસ કરી રહી છે, તે પાકિસ્તાનની સંપ્રભુતાને પકડારી રહી છે.

ફવાદ ચૌધરીનું ભાષણ પૂરું થતાં જ ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સુરીએ પહેલેથી તૈયાર મુદ્દા વાંચવાના શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, ‘વિપક્ષે વડાપ્રધાન સામે અવિશ્વાસની દરખાસ્ત 8 માર્ચ, 2022એ રજૂ કરી હતી, અવિશ્વાસ દરખાસ્ત બંધારણ, કાયદા અને નિયમો મુજબ હોવી જરૂરી છે.

પાકિસ્તાનમાં રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવતી આર્મીએ જણાવ્યું હતું કે આર્મીને દેશની હાલની રાજકીય સ્થિતિ સાથે કોઇ લેવાદેવા નથી. મિલિટરી પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે જણાવ્યું હતું કે નેશનલ એસેમ્બલીમાં જે કંઇ બન્યું તેની સાથે આર્મીને કોઇ લેવાદેવા નથી. જોકે પાકિસ્તાન આર્મીના વડા જનરલ કમર જાવેદ બાજવા છેલ્લાં એક સપ્તાહમાં ઓછામાં ઓછા બે વખત વડાપ્રધાનને મળ્યા છે. હકીકત એ છે કે દેશમાં આર્મી ચૂંટાયેલી સરકારને ઉથલાવી પાડતી હોય છે. 73 વર્ષના ઇતિહાસમાં અડધા કરતાં વધુ વર્ષો સુધી આર્મીનું રાજ રહ્યું છે.