શિલ્પા શેટ્ટીના ફિટનેસ શો શેપ ઓફ યુમાં જોન અબ્રાહમે પોતાની હેલ્થ અને ફિટનેસની અંગત બાબતો જણાવી હતી. જોને જણાવ્યું હતું કે, પાછલા 17-18 વર્ષમાં તેણે માત્ર ત્રણ દિવસની રજા લીધી છે. વધુમાં તેણે કહ્યું હતું કે, સ્મોકિંગ કરતાં પણ સુગર વધારે નુકસાનકારક છે. ટ્રુ ફોલ્સ સેશનમાં શિલ્પાએ કહ્યું હતું કે, જોનની ફેવરિટ મિઠાઇ કાજુ કતરી છે અને છેલ્લા 25 વર્ષથી તેણે તે ચાખી નથી. જોકે, જોને જવાબ આપ્યો હતો કે, આ વાત ખોટી છે. 27 વર્ષથી નથી ચાખી. જોનને એરેટેડ ડ્રિંક પણ પસંદ નથી અને શિલ્પા પણ આવું જ કરતી હશે, તેમ જણાવી જોને ઉમેર્યું હતું કે, સિગરેટ સ્મોકિંગ કરતાં વિશ્વનું સૌથી મોટું પોઈઝન શુગર છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હેન્ડસમ હન્ક તરીકે જોનની ગણતરી થાય છે, પરંતુ જોનના મતે કોઈ વ્યક્તિ હંમેશા હેન્ડસમ ન હોઈ શકે. આ બાબત માનસિક સ્થિતિ સાથે જોડાયેલી છે. પોતે ભલે 17-18 વર્ષમાં ત્રણ જ દિવસનો બ્રેક લીધો છે, પરંતુ આ બાબત યોગ્ય નથી અને દરેકને બ્રેકની જરૂર છે. જોને પર્સનલ લાઈફ વિશે કહ્યું હતું કે, તેના ફોનમાં સોશિયલ મીડિયા એપ્સ નથી. એટલું જ નહીં, તેના ફોનમાં વોટ્સએપ પણ નથી. આ ઉપરાંત સોશિયલ મીડિયાનો ત્યાગ કરવાની ઈચ્છા પણ જોને વ્યક્ત કરી હતી. જોને તાજેતરમાં મોહિત સુરીની ફિલ્મ એક વિલન રીટર્ન્સનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા, દિશા પટાણી અને અર્જુન કપૂર છે. આ ઉપરાંત તેની ફિલ્મ એટેક પણ આવી રહી છે, જેના કો-સ્ટાર જેક્વેલિન ફર્નાન્ડિઝ અને રકુલ પ્રીત સિંઘ છે.