વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન-અમેરિકન સિંગર ફાલ્ગુની શાહને પહેલો ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ફાલુના નામથી જાણીતી સિંગરને ‘અ કલરફુલ વર્લ્ડ’ માટે બેસ્ટ ચિલ્ડ્રન્સ મ્યૂઝિક આલ્બમ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ તેમને ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી છે. તેમણે લખ્યું છે ‘ગ્રેમીમાં બેસ્ટ ચિલ્ડ્રન્સ મ્યૂઝિક આલ્બમ માટે એવોર્ડ જીતવા બદલ ફાલ્ગુની શાહને અભિનંદન.
તેમને ભવિષ્યના કાર્યો માટે ખૂબ-ખૂબ શુભકામના’. ફાલુ’ નામથી પ્રસિદ્ધ ફાલ્ગુની શાહને ગ્રેમી એવોર્ડ્સ 2022માં બીજી વખત બેસ્ટ ચિલ્ડ્રન્સ મ્યૂઝિક આલ્બમ કેટેગરી માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ એકમાત્ર ભારતીય મૂળની મહિલા છે, જેને બેવાર ગ્રેમી એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ પહેલા ‘ફાલુસ બાઝાર’ (Falu’s Bazar) માટે તેમને 2018માં ગ્રેમીમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ વખતે તેમણે પહેલીવાર એવોર્ડ જીત્યો છે.
ફાલ્ગુની શાહે જયપુર મ્યુઝિકલ ટ્રેડિશનમાં હિંદુસ્તાન ક્લાસિકલ મ્યૂઝિકમાં ટ્રેનિંગ લીધી છે, આ સિવાય તેમણે કૌમુદી મુનશી હેઠળ બનારસ શૈલીમાં ઠુમરીની અને ઉદય મઝુમદાર પાસેથી સેમી ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ લીધી છે. તેમની વેબસાઈટ પ્રમાણે, તેમણે દિવંગત/ વોકલ માસ્ટર ઉસ્તાદ સુલતાન ખાન અને બાદમાં લેજેન્ડ્રી કિશોરી અમોનકર (જયપુર સ્ટાઈલ) પાસેથી અભ્યાસ લેવાનું યથાવત્ રાખ્યું હતું