ગુજરાત સ્થિત અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી 100 બિલિયન ડોલરની ક્લબમાં સામેલ થયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની સંપત્તિ 100 બિલિયન ડોલરને વટાવી ગઈ છે. સેન્ટિબિલિયોનેર્સ ક્લબમાં જાણીતા રોકાણકાર વોરેન બફેટ, ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક, એમેઝોનના વડા જેફ બેઝોસ અને મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ જેવા જેવા અમીરો સ્થાન ધરાવે છે અને હવે તેમાં એક ભારતીય ઉદ્યોગપતિનો સમાવેશ થયો છે.
બ્લૂમબર્ગના રીપોર્ટ મુજબ પોર્ટ, માઇન્સ અને ગ્રીન એનર્જી સહિતના બિઝનેસ ધરાવતા અદાણી 100 બિલિયોનેર્સની એલિટ ક્લબના બીજા નવ સભ્યોમાં સામેલ થયા છે. તેઓ ફરી એકવાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં તેઓ 10માં સ્થાને છે.
રીપોર્ટમાં જણાવ્યા અનુસાર અદાણીની પ્રગતિ અસાધારણ રહી છે. ગયા વર્ષ પોતાની નેટવર્થમાં દર સપ્તાહે આશરે રૂ.6,000 કરોડનો ઉમેરો કરનારા આ ઉદ્યોગપતિએ કોલેજનો અભ્યાસ છોડી દીધા પછી કોલસા ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવ્યું હતું અને લાંબી મજલ કાપીને આ સ્થાન હાંસલ કર્યું છે.
દેશના મુકેશ અંબાણીની સંપત્તિ ઓક્ટોબર, 2021માં 100 બિલિયન ડોલરને પાર કરી ગઈ હતી, તેમની સંપત્તિમાં આ વર્ષે 24 બિલિયન ડોલરનો વધારો થયો છે. અદાણી આ વર્ષના વિશ્વના સૌથી મોટા સંપત્તિ સર્જનમાં વધારો કરનારા એક છે. આ વર્ષની 24 બિલિયન ડોલરના વધારાની સાથે ગૌતમ અદાણી અન્ય નવ સભ્યોવાળા આ એલિટ ગ્રુપમાં સામેલ થયા છે.
અદાણીની પ્રગતિ ઘણી શાનદાર રહી છે. તેમની સંપત્તિમાં આ વધારો મોટા ભાગે છેલ્લાં બે વર્ષોમાં થયો છે. ગ્રીન એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વેપારમાં પગ મૂકવાનું તેમના માટે વરદાન સાબિત થયું હતું. તેમના બિઝનેસમાં વિશ્વની તમામ મોટી કંપનીઓએ મૂડીરોકાણ કર્યું છે, જેમાં ફ્રાંસની ટોટલ SE અને વોરબર્ગ પિકસ સામેલ છે.અદાણી સાઉદી અરેબિયામાં ભાગીદારની શોધ કરી રહ્યા છે. અદાણી વિશ્વની સૌથી મોટી ઓઇલ નિકાસકાર કંપનીમાં હિસ્સો ખરીદવાની ફિરાકમાં છે. અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓએ 2020 પછી 1000 ટકા કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી $99 બિલિયનની નેટવર્થ ધરાવે છે અને ટોપ 10 અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
મુકેશ અંબાણીની રેન્કિંગ 11મું છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ટોચ પર છે. મસ્કની કુલ સંપત્તિ $273 બિલિયન છે. તે જ સમયે, એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ બીજા સ્થાને છે. જેફ બેઝોસની કુલ સંપત્તિ 188 બિલિયન ડોલર છે. બર્નાર્ડ આર્નોલ્ટ ત્રીજા સ્થાને છે. તે જ સમયે, બિલ ગેટ્સ ચોથા સ્થાને, વોરેન બફેટ પાંચમા સ્થાને, લેરી પેજ છઠ્ઠા સ્થાને, સર્ગેઈ બ્રિન સાતમા સ્થાને, સ્ટીવ વોલ્મર આઠમા સ્થાને, લેરી એલિસન નવમા સ્થાને છે.