યુક્રેન યુદ્ધના મુદ્દે અમેરિકા અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવા બદલ અમેરિકાના ટોચના સાંસદે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને આશા વ્યક્ત કરી છે કે મોદીના પ્રયાસોથી આ વિસ્તારમાં શાંતિનું પુનઃસ્થાપન કરવામાં મદદ મળશે.
ભારતની મુલાકાતે આવેલા રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવને શુક્રવારે મોદીએ સંદેશ આપ્યો હતો કે યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે ભારત યોગદાન આપવા માટે તૈયાર છે અને યુક્રેનમાં હિંસાનો વહેલાસર ઉકેલ આવવો જોઇએ.
અમેરિકાના સાંસદ કેરોલિન મેલોનીએ એક ઇન્ટવ્યૂમાં જણાવ્યું હતું કે “હું માનું છું કે હાલમાં તેઓ યુક્રેન મુદ્દે રશિયા અને અમેરિકા વચ્ચે સુલેહના પ્રયાસ કરી રહ્યાં છે. તે એક ઘણો જ હકારાત્મક ઉદ્દેશ છે. ભારત અને અમેરિકા મજબૂત આર્થિક સંબંધો ધરાવે છે. આપણે શાંતિ માટે મજબૂત સંબંધો ધરાવીએ છીએ અને આપણે એકસમાન મૂલ્ય ધરાવીએ છીએ. ”
76 વર્ષના મલોની અમેરિકાની શક્તિશાળી હાઉસ ઓવરસાઇટ કમિટીના વડા છે. તેઓ 1993થી અમેરિકાના પ્રતિનિધિગૃહમાં ચૂંટાઈ આવે છે. તેઓ ડેમોક્રેટિક પક્ષના વરિષ્ઠ સાંસદ છે. મેલોની ભારત તથા ઇન્ડિયન અમેરિકન્સના મિત્ર ગણાય છે.
તેઓ સપ્ટેમ્બર 2019માં હ્યુસ્ટન ખાતેના ઐતિહાસિક હાઉડી મોદી કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા, જેમાં વડાપ્રધાન મોદી અને અમેરિકાના તત્કાલિન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કર્યું હતું. અમેરિકામાં દિવાળી સ્ટેમ્પ જારી કરવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેઓ હાલમાં દિવાળીએ રાષ્ટ્રીય રજા જાહેર કરવાના તથા મહાત્મા ગાંધીને પ્રતિષ્ઠિત કોંગ્રેશનલ ગોલ્ડ મેડલ આપવાના ખરડાને બહાલી માટે પ્રયાસો કરી રહ્યાં છે. ન્યૂયોર્કના સાંસદ મેલોનીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે સમાધાન શોધવાના આઇડિયા અને રસ્તા શોધી રહ્યાં છે