ગુજરાતના અનેક વિસ્તારોમાં શનિવારે રાત્રે આકાશમાં એક રહસ્યમય અગન ગોળો દેખાયો હતો. તેનાથી લોકોમાં કુતુહલ જાગ્યું હતુ, કેટલાક વિસ્તારમાં લોકોએ તેને અવકાશમાં ઉડતો જોયો હતો તો કેટલાક વિસ્તારમાં લોકોએ કહ્યું તે સળગતો ગોળો પૃથ્વી તરફ નીચે આવી રહ્યો હતો. ગુજરાતમાં કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ અવકાશી ઘટના જોવા મળી હતી.
ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તે કોઈ અવકાશીય કાટમાળ હોઈ શકે છે અથવા તો કોઈ મોટો ઉલ્કાપીંડ હોઇ શકે છે. જોકે એકવાર તે વસ્તુના અવશેષોનો અભ્યાસ કર્યા પછી જ તેના વિશે કંઈ કહી શકાય છે.જ્યારે ઉલ્કાઓ પિંડનું કદ નાનું હોય છે, ત્યારે ભારે ઘર્ષણ થાય છે અને તાપમાન વધવાનું શરૂ થાય છે. ચોક્કસ નિર્ણાયક તાપમાને તેમાં આગ સળગે છે અને આપણે ગરમી અને પ્રકાશનો એક ઝબકારો જોઈએ છીએ. આ કિસ્સામાં જે વસ્તુ હતી તે એટલી મોટી હતી કે બધાએ મોટા ગોળા સ્વરુપે પ્રગટતી જોઈ હતી. જો કે, પાછળ તે ધીરે ધીરે મંદ બનતું જોયું હતું.
વડોદરા સ્થિત કોસ્મોલોજિસ્ટ દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું હતું કે જે વિડીયો સામે આવ્યા છે તેના આધારે આ પદાર્થ આકાશમાંથી પડતો અવકાશી કાટમાળ અથવા અવકાશી ભંગાર હોઈ શકે છે. જે ગતિએ તે નીચે આવી રહ્યો હતો તે પણ ખૂબ જ ધીમી છે અને પાછળથી આ ગોળો બે ભાગમાં વહેંચાઈ જાય છે. આપણે સફેદ રંગની લાંબી પૂંછડી અને લાલ રંગનું વર્તુળ પણ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તેથી, આ બધી વિશેષતાઓને જોતા તે અવકાશનો કાટમાળ હોય તેવું લાગે છે.ઉલ્કાઓ સેકન્ડના ભાગમાં પડી જાય છે. પરંતુ આ વિડિયો ખાસ્સો લાંબો છે. ઉપરાંત, જે વિસ્તારમાં લોકોએ તેને જોયો છે તે ઘણો મોટો છે.
ભાવનગર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે તેમને અવકાશી પદાર્થના સમાચાર મળ્યા છે. મેં એ જાણવા માટે એક ટીમ મોકલી છે કે શું તેનાથી માનવ વસવાટને કોઈ નુકસાન થયું છે. બધા તાલુકાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL) ના બે વૈજ્ઞાનિકો ઉલ્કાના માર્ગનું પૃથ્થકરણ કરી રહ્યા છે.