ગુજરાત વિધાનસભામાંની કાર્યવાહી દરમિયાન રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે સરદાર સરોવર યોજના સરદાર પટેલની હતી અને તે માટે જવાહરલાલ નહેરુને ક્રેડિટ આપવાની કોઇ જરૂર નથી. તેમના આ નિવેદનથી વિધાનસભામાં હોબાળો મચી ગયો હતો અને કોંગ્રેસના સભ્યો ઊભા થઇને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. નીતિન પટેલે એમ પણ કહ્યું હતું કે નહેરુએ તો ખાતમુહૂર્ત કર્યું અને યોજના આગળ ન વધે તે માટે અડચણો ઊભી કરી હતી. તેના કારણે કોગ્રેસના સભ્યો તેમની જગ્યા ઉપરથી ગૃહના મધ્ય સુધી ધસી ગયા હતા. કોંગ્રેસના નૌશાદ સોલંકી એકાએક નીતિન પટેલની બેન્ચ તરફ ધસી જતા સાર્જન્ટ અને ભાજપના ધારાસભ્યો પણ નીતિન પટેલની આગળ ઊભા રહી ગયા હતા.
કોંગ્રેસના સી.જે. ચાવડાએ કહ્યું હતું કે નર્મદા યોજનામાં તો પર્યાવરણવાદીઓ નડ્યા હતા છતાં કોંગ્રેસના સમયમાં પાયો પણ નખાયો હતો અને ૮૫ મીટરની ઉંચાઇ સુધી ડેમ પણ બાંધ્યો હતો જ્યારે કલ્પસર તો બે દાયકાથી કાગળ ઉપર જ છે. કોંગ્રેસના સભ્યો દ્વારા જવાહરલાલ નહેરુએ નર્મદા ડેમ શરૂ કરાવ્યો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. સરદાર પટેલ કોંગ્રેસના નેતા રહ્યા હતા એટલે તે અમારી જ કલ્પના હતી.