રશિયા પર પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોના વચ્ચે ભારત દ્વારા રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદીની મુદ્દે ભારતની મુલાકાતે આવેલા યુકેના વિદેશ પ્રધાન લીઝ ટ્રસ અને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર વચ્ચે તીખી ચર્ચા થઈ હતી. સેક્રેટરી ટ્રસ સાંભળી રહ્યાં હતા ત્યારે જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પ્રતિબંધોની ચર્ચા એક કેમ્પેઇન જેવી લાગે છે અને રશિયામાંથી યુરોપના દેશો વધુ ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યાં છે.
પ્રથમ ઇન્ડિયા-યુકે સ્ટ્રેટેજિક ફ્યુચર્સ ફોરમ ખાતેની 45 મિનિટની પેનલ ચર્ચા દરમિયાન બ્રિટનના વિદેશ પ્રધાને વારંવાર રશિયાના આક્રમણનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ જયશંકરે તેમના નિવેદનમાં રશિયા નામનો ઉલ્લેખ કર્યો ન હતો.
ભારત ડિસ્કાઉન્ટ ભાવે રશિયામાંથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યું હોવાના મુદ્દે ટ્રસે જણાવ્યું હતું કે “મે પ્રતિબંધો અંગે યુકેનો અભિગમ રજૂ કર્યો છે અને અમે ચાલુ વર્ષના અંત સુધીમાં રશિયાના ક્રૂડ ઓઇલ પરના અવલંબનનો અંત લાવી રહ્યાં છીએ. ભારત એક સાર્વભોમ દેશ છે. ભારતે શું કરવું તે હું કહી શકું નહીં. મે જે કંઇ કહ્યું તે યુકે સરકારના એક સભ્ય તરીકે છે. અમે બુડાપેસ્ટ મોમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. યુનાઇટેડ કિંગડમ વતી મારી જવાબદારી છે કે યુક્રેનના લોકોના સમર્થનમાં અમે લઈ શકીએ તે તમામ પગલાં લઈએ, પરંતુ બીજા દેશોએ શું કરવું તે તે અમે કહી શકીએ નહીં.”. જયશંકરે જવાબ આપતા જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં યુરોપે અગાઉના મહિનાની સરખામણીમાં રશિયા પાસેથી 15 ટકા વધુ ક્રૂડ ઓઇલ અને ગેસની ખરીદી કરી હતી. રશિયાના ક્રૂડ ઓઇલ અને ગેસના મુખ્ય ખરીદકર્તા પર નજર કરીએ તો મને લાગે છેકે મોટાભાગના ખરીદદારો યુરોપના છે. અમે મોટાભાગની એનર્જીની ખરીદી મધ્યપૂર્વમાંથી કરીએ છીએ.