કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પહેલી એપ્રિલથી આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં સુરક્ષા દળોને વિશેષ સત્તા આપતા વિવાદાસ્પદ કાયદા AFSPA હેઠળના અશાંત વિસ્તારમાં ઘટાડો કરવાની ગુરુવારે ઐતિહાસિક જાહેરાત કરી છે. કેન્દ્રના નિર્ણયને ઉત્તરપૂર્વના આ ત્રણેય રાજ્યોના રાજકીય નેતાઓ આવકાર્યો હતો, પરંતુ આ કાયદાના ટીકકારોએ તેને સંપૂણપણે નાબૂદ કરવાની માગણી ચાલુ રાખી છે.
નાગાલેન્ડમાં સશસ્ત્ર દળો (વિશેષ સત્તાઓ) ધારા (AFSPA)ને ઉઠાવી લેવાની શક્યતા ચકાસવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય સમિતિની રચનાના ત્રણ મહિના બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. નાગાલેન્ડમાં ડિસેમ્બર 2021માં આર્મીના કાર્યવાહીમાં ભૂલથી 14 નાગરિકોના મોત થયા હતા અને તેની સામે વ્યાપક વિરોધ વંટોળ ઊભો થયો હતો.
શ્રેણીબદ્ધ ટ્વીટમાં અમિત શાહે જણાવ્યું હતું કે એક મહત્ત્વના પગલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ નેતૃત્વ હેઠળની ભારત સરકારે ઘણા દાયકા બાદ નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં આ ધારા હેઠળના અશાંત વિસ્તારોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના અથાક પ્રયાસોને કારણે સુરક્ષાની સ્થિતિમાં સુધારો અને ફાસ્ટ ટ્રેક વિકાસને કારણે આ ધારા હેઠળના અશાંત વિસ્તારમાં ઘટાડો થયો છે.સરકારે ઉત્તરપૂર્વમાં ઉગ્રવાદનો અંત લાવવા અને કાયમી શાંતિ સ્થાપવા બળવાખોર ગ્રૂપો સાથે કેટલીક સમજૂતીઓ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને પગલે દાયકાઓથી જેની અવગણના થઈ છે તેવા આપણા ઉત્તરપૂર્વના રાજ્યોમાં હવે શાંતિ, સમૃદ્ધ અને અસાધારણ વિકાસના નવા યુગનો ઉદય થશે. હું આ ઐતિહાસિક પ્રસંગે ઉત્તરપૂર્વના લોકોને અભિનંદન આપું છું.
ઉગ્રવાદને અંકુશમાં લેવા માટે આ ધારા હેઠળ હેઠળ સશસ્ત્ર દળોને વિશેષ સત્તા આપવામાં આવેલી છે. આ ધારા હેઠળ લશ્કરી દળો વોરંટ વગર કાર્યવાહી અને કોઇની પણ ધરપકડ કરી છે. સુરક્ષા દળોને કોઇને ઠાર કરે તો પણ તેને ધરપકડ અને કાર્યવાહીમાંથી મુક્તિ મળેલી છે. ઉત્તરપૂર્વમાં આ કાયદાને નાબૂદ કરવા માટે અનેક વખત વિરોધ પ્રદર્શનો થયા છે. માનવ અધિકાર કાર્યકર્તા ઇરોમ શર્મિલાનો વિરોધ સૌથી વધુ પ્રસિદ્ધ છે.