ગુજરાતમાં વીજળી સપ્લાયમાં આશરે 500 મેગાવોટની અછતને પગલે રાજ્ય સરકારે બુધવારે ઉદ્યોગ માટે પાવર કાપનો આદેશ આપ્યો છે. ઉદ્યોગોએ હવે ફરજિયાત વીકલી સ્ટેગર્ડ હોલિડેનો અમલ કરવો પડશે.
સરકાર માલિકીની ગુજરાત ઉર્જા વિકાસ નિગમે જારી કરેલા આદેશ મુજબ તમામ હાઇ ટેન્શન અને લો-ટેન્શન યુઝર્સ માટે વીકલી સ્ટેગર્ડ હોલિડેનો તાકીદની અસરથી અમલ થાય છે.
અગાઉ સરકારે ખેડૂતોને આઠ કલાકને બદલે ચાર કલાક જ વીજપુરવઠો આપવાનો વેલા નિર્ણય કર્યો હતો. તેની સામે વિરોધનો વંટોળ ઊઠયા પછી ગુજરાત સરકારની વીજ કંપનીઓએ ઉદ્યોગો માટે ગુજરાતના જુદાં જુદાં જિલ્લાઓમાં અઠવાડિયે એક દિવસ માટે વીજ કાપ આપવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમેટેડના ડિરેક્ટર (ટેકનિકલ) એચ.પી કોઠારીને સહી સાથે ૨૯મી માર્ચે આ સંદર્ભમાં એક પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે.
ઉર્જાપ્રધાન કનુભાઈએ ખેડૂતોને પણ પૂરતી વીજળીનો સપ્લાય આપવાની જાહેરાત કરી તે પછી ઔદ્યોગિક વપરાશકારોને પણ અઠવાડિયાના એક દિવસ સપ્લાયમાં કાપ આપીને સ્ટેગરિંગની સિસ્ટમ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના દરેક વિસ્તારની વીજ વિતરણ કંપનીઓને આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. જોકે વીજળીના ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાત સરકારની વીજ કંપનીઓ વીજપ્રોડક્શન અને પુરવઠાને હેન્ડલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ગુજરાતમાં ૨૮,૫૦૦ મેગાવોટની ઉત્પાદન ક્ષમતા છે.