યુક્રેઇન સાથે રશિયાના યુધ્ધને પગલે રશીયા પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસની રશિયામાં તેમની હાજરી અંગે યુકેના ચાન્સેલર ઓફ એક્સચેકર ઋષિ સુનકને આકરા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ફોસીસમાં તેમની પત્ની અક્ષતા મૂર્તિનો હિસ્સો છે અને અક્ષતા ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના પુત્રી છે.
‘સ્કાય ન્યૂઝ’ રિપોર્ટર જેન સેકરે ટેલિવિઝન ઇન્ટરવ્યુ દરમિયાન સુનકને પૂછ્યું હતું કે “જાણવામાં આવ્યું છે કે તમારે રશિયા સાથે કૌટુંબિક સંબંધો છે, તમારી પત્ની દેખીતી રીતે ભારતીય કન્સલ્ટન્સી ફર્મ ઇન્ફોસિસમાં હિસ્સો ધરાવે છે. તેઓ મોસ્કોમાં કામ કરે છે, ત્યાં તેમની ડિલિવરી ઑફિસ છે અને મોસ્કોમાં આલ્ફા બેંક સાથે કનેક્શન છે. શું તમે અન્ય લોકોને એવી સલાહ આપો છો જેને તમારા પોતાના ઘરમાં અનુસરતા નથી?”
સુનકે જવાબ આપતાં જણાવ્યું હતું કે “ચુંટાયેલા રાજકારણી તરીકે હું ઇન્ટરવ્યુ આપી રહ્યો છું જેના માટે જવાબદાર હું છું. મારી પત્ની નહિ. મને નથી લાગતું કે (મારા પરિવારને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના શાસનથી “સંભવિત લાભ” થઈ રહ્યો છે) તે કેસ છે, અને મેં કહ્યું તેમ તમામ કંપનીઓની કામગીરી તેમના પર આધારિત છે. અમે રશિયા પર નોંધપાત્ર પ્રતિબંધો મૂક્યા છે અને અમે જે કંપનીઓ માટે જવાબદાર છીએ તે તમામ કંપનીઓ તેને યોગ્ય રીતે અનુસરી રહી છે, કારણ કે તેઓ પુતિનની આક્રમકતા માટે ખૂબ જ મજબૂત સંદેશ મોકલે છે. પરંતુ મારે તે કંપની સાથે કોઈ લેવાદેવા નથી.”
ઋષિ સુનકે પત્ની અક્ષતાના ઇન્ફોસીસ સાથેના જોડાણનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમના બિલિયોનેર સસરા નારાયણ મૂર્તિ દ્વારા સ્થાપવામાં આવેલી ભારતીય આઈટી કંપની ઈન્ફોસિસમાં અક્ષતાનો હિસ્સો 0.91 ટકા છે. ચાન્સેલરના પ્રવક્તાએ પાછળથી કહ્યું: “શ્રીમતી મૂર્તિ કંપનીના હજારો લઘુમતી શેરધારકોમાંથી એક છે. તે એક સાર્વજનિક કંપની છે અને કંપનીના ઓપરેશનલ નિર્ણયોમાં તેણી કે તેના પરિવારના કોઈપણ સભ્યની કોઈ સંડોવણી નથી.”
ઇન્ફોસીસે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘’કંપની રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ માટે સમર્થન અને હિમાયત કરે છે. ઇન્ફોસીસ પાસે રશિયાની બહારના કર્મચારીઓની એક નાની ટીમ છે, જે અમારા કેટલાક વૈશ્વિક ગ્રાહકોને સ્થાનિક સ્તરે સેવા આપે છે. સ્થાનિક રશિયન સાહસો સાથે અમારે કોઈ સક્રિય વ્યવસાયિક સંબંધો નથી. ઇન્ફોસીસની મુખ્ય પ્રાથમિકતા અને કામ પ્રતિકૂળ સમયે સમુદાયને સમર્થન આપવાનું ચાલુ રાખવાનું છે. કંપનીએ યુક્રેનથી યુદ્ધના પીડિતોના રાહત પ્રયાસો માટે 1 મિલિયન ડોલર જાહેર કર્યા છે.”
યુકેએ રશિયન બિઝનેસીસ અને વ્યક્તિઓ પર વ્યાપક પ્રતિબંધો લાદ્યા છે અને સુનકે યુકેની તમામ કંપનીઓને ચાલુ યુક્રેનિયન સંઘર્ષ દરમિયાન રશિયામાં કોઈપણ રોકાણ વિશે ખૂબ જ કાળજીપૂર્વક વિચારવા અને રશિયામાં નવા રોકાણ માટે વિચારણા કરવા આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું.નારાયણ મૂર્તિએ 2014માં કંપની છોડી હતી અને કંપનીના 2020-21ના વાર્ષિક અહેવાલ મુજબ તેમનું શેરહોલ્ડિંગ 0.39 ટકા હતું. ફોર્બ્સનો અંદાજ છે કે 75 વર્ષીય મૂર્તિની કુલ સંપત્તિ £3.5 બિલિયન છે. ગયા વર્ષે ઇન્ફોસિસે બે ડિવિડન્ડ ચૂકવણી કરી હતી જે થકી શ્રીમતી અક્ષતા મૂર્તિને લગભગ £11.7 મિલિયનની રકમ મળી શકી હોત. ડેઇલી મેઇલના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે ઇન્ફોસિસે શેર દીઠ 15 પેન્સની સમકક્ષના બે ડીવીડન્ડની જાહેરાત ગયા વર્ષે એપ્રિલ અને ઓક્ટોબરમાં કરી હતી.
યુકેની મુખ્ય કન્સલ્ટન્સી ફર્મ્સ PwC, KPMG અને Accenture એ યુક્રેન પરના આક્રમણ પછી રશિયા છોડી દીધું છે. તેનાથી વિપરીત, ઇન્ફોસિસ હજુ પણ મોસ્કોમાં કાર્યરત છે. 2009માં શ્રી સુનક સાથે લગ્ન કરનાર શ્રીમતી અક્ષતા મૂર્તિ બ્રિટનની સૌથી ધનાઢ્ય મહિલાઓમાંની એક છે, જેની સંપત્તિ મહારાણી કરતાં પણ મોટી હોવાનું કહેવાય છે. લેબરે ચેતવણી આપી કે શ્રી સુનકે શ્રીમતી મૂર્તિના શેર અંગે ગંભીર પ્રશ્નોના જવાબ આપવા પડશે. એમપી લિયામ બાયર્ને કહ્યું હતું કે ‘યુક્રેનિયન લોકો રશિયન આક્રમણનો પ્રતિકાર કરે ત્યારે તેમની સાથે ઊભા રહેવાની આપણી જવાબદારી છે, આ અત્યંત ચિંતાજનક છે. પુતિનની સરકાર સામે કેશ કાઉની જેમ વર્તન કરવાની નહિં પણ તેનો બહિષ્કાર કરવાની જરૂર છે.
લગભગ 50 દેશોમાં હાજરી સાથે ઇન્ફોસિસ ભારતની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક છે. જો કે, યુક્રેનના આક્રમણ છતાં તેની મોસ્કો ઓફિસ ખુલ્લી રાખવાના નિર્ણય માટે તેની ટીકા થઈ છે. ભારતે યુક્રેનમાં રશિયાની કાર્યવાહીની સ્પષ્ટ નિંદા કરી નથી. ભારતીય કંપનીઓએ, ઘણી પશ્ચિમી કંપનીઓથી વિપરીત, યુદ્ધ ફાટી નીકળ્યા પછી રશિયામાં તેમની કામગીરી સ્થગિત અથવા બંધ કરવાની વાત કરી નથી.