આશરે 40 વર્ષથી કંપનીનું સંચાલન કર્યા બાદ બિલિયોનેર હિરાનંદાની બ્રધર્સ નિરંજન અને સુરેન્દ્રએ મુંબઈમાં રૂ.20,000 કરોડની રિયલ એસ્ટેટ એસેટનું વિભાજન કરવાનો નિર્ણય કર્યો છે. અહેવાલ અનુસાર ભાઈઓએ 90% સંપત્તિનું વિભાજન કર્યું છે જ્યારે તેઓ 10% સંપત્તિ સંયુક્ત રીતે સંચાલિત કરશે.
નિરંજન હિરાનંદાની એક નિવેદનમાં કહ્યું છે કે “અમે 40 વર્ષ સુધી સંયુક્તપણે ચલાવ્યા બાદ હવે યોગ્ય સમયે શાંતિપૂર્ણ અને ખુશીથી બિઝનેસનું વિભાજન કરવાનું નક્કી કર્યું છે. જોકે તેમણે બંને ભાઈઓને ભાગે આવેલ પ્રોપર્ટીના વેલ્યુએશન અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.
તેમના પિતા એલએચ હિરાનંદાની એક જાણીતા ડોક્ટર હતા. સુરેન્દ્રએ 1978માં કંપનીની સ્થાપના કરી અને હિરાનંદાની ગાર્ડન્સ વિકસાવવા માટે પવઈમાં 250 એકર જમીન ખરીદી હતી. જોકે હાલ પેરેન્ટ કંપની હિરાનંદાની ડેવલપર્સ નિરંજન દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ ભાઈઓ વચ્ચે માલિકી 50:50ની જ છે.
2009માં નિરંજનનો તેની લંડન સ્થિત પુત્રી પ્રિયા વંદ્રેવાલા સાથે વિવાદ થયો હતો. તેણે પિતા અને ભાઈ પર ડેવલપમેન્ટ ડીલના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો. 2016માં લંડનની આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશનની અદાલતે પ્રિયાના તરફેણમાં ચુકાદો આપતા તેમણે પ્રિયાને રૂ. 360 કરોડ ચૂકવવાનો આદેશ કરતા મામલો થાળે પડ્યો હતો.
IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2021ના રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં નિરંજન રૂ. 34,100 કરોડની સંપત્તિ સાથે દેશમાં ચોથા નંબરે હતા.