ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની અને હવે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ ચૂકેલા વિકેટકીપર બેટ્સમેન – કેપ્ટન કૂલ તરીકે લોકપ્રિય મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા દિવસ પહેલા એક આશ્ચર્યજનક જાહેરાત કરી આઈપીએલમાં પોતાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનું સુકાનીપદ પણ છોડી દીધું હતું.
ધોની હવે ફક્ત ખેલાડી તરીકે ચેન્નાઈ તરફથી આઈપીએલમાં રમશે. તેણે પોતાના અનુગામી તરીકે રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈનું સુકાનીપદ સોંપ્યાની પણ જાહેરાત કરી હતી, જે દર્શાવે છે કે ચેન્નાઈની ટીમના ફ્રેન્ચાઈઝ માલિક – ઈન્ડિયા સીમેન્ટ્સના બોસ અને ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન એન. શ્રીનિવાસનને હજી પણ ધોનીમાં પુરેપુરો વિશ્વાસ છે અને ધોની તથા ચેન્નાઈ સુપર કિંગ્સ એકબીજા માટે સર્વેસર્વા છે. ધોની માહીના ઉપનામે પણ જાણીતો છે.
માહીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપરકિંગ્સ 12 સીઝન આઇપીએલ રમી હતી અને 11 વખત પ્લેઓફમાં પહોંચી હતી તથા 9 વખત ફાઈનલમાં રમી હતી. તેમાંથી ચાર વખત તે આઈપીએલ ચેમ્પિયન પણ રહી હતી.