ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી મહિલા વર્લ્ડ કપ ક્રિકેટની છેલ્લી લીગ મેચમાં રવિવારે (27 માર્ચ) ભારતીય ટીમ જોરદાર સંઘર્ષ પછી સાઉથ આફ્રિકા સામે છેલ્લા બોલે હારી જતા ટીમ સેમિફાઈનલમાં પહોંચી શકી નહોતી. આ સાથે, બે વરિષ્ઠ ખેલાડીઓ – સુકાની મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીની કારકિર્દીનો પણ થોડો નિરાશાજનક અંત આવ્યો હોવાનું માની શકાય છે.
ભારતે પહેલા બેટિંગ કરી 7 વિકેટે 274 રન કર્યા હતા. ઓપનર્સ સ્મૃતિ મંધાનાએ 71 તથા શેફાલી વર્માએ 53 રન કર્યા હતા, તો સુકાની મિતાલી રાજે 68 અને હરમન પ્રીત કૌરે 48 રન કર્યા હતા.
જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે મેચના છેલ્લા બોલે વિજયી છેલ્લો રન કરી ભારતને જબરજસ્ત આંચકો આપ્યો હતો. ઓપનર લૌરા વોલ્વાર્ટે 80, લારા ગુડોલે 49 તથા મિગ્નોન ડુ પ્રેઝે અણનમ 52 રન કર્યા હતા. હરીફ ટીમે પણ સાત વિકેટે 275 કર્યા હતા.
હવે મહિલા વર્લ્ડકપની સેમી ફાઈનલ ઓસ્ટ્રેલિયા – વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા – ઈંગ્લેન્ડ વચ્ચે મુબાલો રહેશે.
ભારત તરફથી દિપ્તી શર્માએ છેલ્લી ઓવર નાંખી હતી. તેની આ ઓવરમાં ઉત્તેજના વચ્ચે તેણે પાંચમો બોલ નો બોલ કર્યો હતો. આ રીતે એક હરીફ ટીમને એક એકસ્ટ્રા રન અને ફ્રી હિટ મળી હતી, જે નિર્ણાયક બની રહી હતી.