સાન ફ્રાન્સિસ્કોની ટેકનોલોજી કંપનીની સંવેદનશીલ માહિતી મેળવીને એક મિલિયન ડોલરથી વધુ નફો કમાયા
અમેરિકાની ફેડરલ ઓથોરિટીએ ભારતીય મૂળના સાત સોફ્ટવેર એન્જિનિયર્સ સામે શેરબજારમાં ઇન્સાઇડર ટ્રેડિંગના આરોપ મૂક્યા છે. આવા ટ્રેડિંગ મારફત તેમણે એક મિલિયન ડોલરથી વધુનો ગેરકાયદે નફો કર્યો હોવાનો આરોપ છે.
અમેરિકાના શેરબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશન (એસઇસી)એ સોમવારે જણાવ્યું હતું કે હરિપ્રસાદ સુરે (34 વર્ષ), લોકેશ લાગુડુ (31) અને છોટુ પ્રભુ તેજ પુલગામ (29) મિત્રો છે તથા સાન ફ્રાન્સિસ્કો સ્થિત ક્લાઉડ કમ્પ્યૂટિંગ કમ્યુનિકેશન કંપની ટ્વીલિયોમાં સોફ્ટવેર એન્જિનિયર્સ તરીકે કામ કરે છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર સુરેએ તેમના ગાઢ મિત્ર દિલીપ કુમાર રેડ્ડી કામુજુલા (35 વર્ષ)ને શેર અંગેની સંવેદનશીલ માહિતી આપી હતી અને તેના આધારે તેમણે ટ્વીલિયોના ઓપ્શનમાં નફાકારક ટ્રેડિંગ કર્યું હતું. એ જ રીતે લાગુડુએ તેમની ગર્લફ્રેન્ડ સાઇ નેક્કાલપુડી (30)ને તથા જૂના રૂમમેટ અને ગાઢ મિત્ર અભિષેક ધર્મપુરિકર (33)ને ગુપ્ત માહિતી આપી હતી. બીજી તરફ પુલગામે તેમના ભાઈ ચેતન પ્રભુ પુલગામ (31)ને ટીપ્સ આપી હતી. આ સાતેય ટેકી કેલિફોર્નિયામાં રહે છે.

ટ્વીલિયોના 6 માર્ચ 2020ના રોજ 2020ના પ્રથમ ક્વાર્ટરના ધારણા કરતાં વધુ નાણાકીય પરિણામ પહેલા આ સાત આરોપીએ ઇન્સાઇડર ટ્રેડિંગ મારફત કુલ 1 મિલિયન ડોલરથી વધુ નફો કર્યો કર્યો હતો.

એસઇસીની ફરિયાદ મુજબ સુરે, લાગુડા અને છોટુ પુલગામ પાસે ટ્વીલિયોની આવક અંગે વિવિધ ડેટાબેઝ ઉપલબ્ધ હતો. માર્ચ 2020માં તેમને ડેટાબેઝમાંથી જાણવા મળ્યું હતું કે કોરોના મહામારીને પગલે લેવામાં આવેલા આરોગ્યના પગલાંને કારણે ટ્વીલિયોના ગ્રાહકોએ કંપનીની પ્રોડક્ટ્સ અને સર્વિસિસના ઉપયોગમાં વધારો કર્યો છે, તેથી ટ્વીલિયોના શેરના ભાવમાં ચોક્કસ વધારો થશે. આ અંગે તેમની વચ્ચે સંયુક્ત ચેટ થઈ હતી.

એસઇસીની ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કંપનીની નીતિ મુજબ તેના કર્મચારીઓ ઇન્સાઇડર ટ્રેડિંગ કરી શકે નહીં. તેથી સુરે, લાગુડુ અને છોટુ પુલગામે શેરસંવેદનશીલ માહિતી કામુજુલા, નેક્કાલપુડી, ધર્મપુરિકર અને ચેતન પુલગામને આપી હતી અથવા 6 મે 2020ના કંપનીના રિઝલ્ટ પહેલા ટ્વીલિયોના ઓપ્શન અને સ્ટોકમાં ટ્રેડ કરવા તેમના બ્રોકરેજ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર સુરે, લાગુડુ અને છોટુ પુલગામે તમિલ ભાષામાં વાતચીત કરી હતી.

કંપનીના રિઝલ્ટના માત્ર બે દિવસ પહેલા 4 મે 2020ના રોજ સુરે, પુલગામ અને છોટુ પુલગામે ટ્વીલિયોની શેર ભાવમાં કેટલો વધારો થશે તેની ચેટ ચેનલ પર ચર્ચા કરી હતી. તે સમયે શેરનો ભાવ 110 ડોલર હતો. તેમને ગુપ્ત માહિતીને આધારે ખાતરી હતી કે શેરના ભાવમાં નાટકીય વધારો થશે અને તેમણે રિઝલ્ટની જાહેરાત પછી શેર વેચવાની તૈયારી કરી હતી. ચેટમાં જણાવાયું હતું કે શેરનો ભાવ 150 ડોલર થશે, જેના જવાબમાં છોટુ પુલગામ લખે છે કે ‘મિલિયોનેર……..’