ભાજપના યોગી આદિત્યનાથે ભારતના સૌથી વધુ વસતિ ધરાવતી રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે શુક્રવાર (25 માર્ચે) શપથ લીધા હતા. ડેપ્યુટી મુખ્યપ્રધાન તરીકે બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય શપથ લીધા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યપ્રધાનોની હાજરીમાં લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં યોજાયેલા ભવ્ય શપથગ્રહણ સમારંભમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગીને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. યોગી ઉપરાંત બીજા 52 પ્રધાનોનેએ પણ શપથ લીધા હતા.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 403માંથી 255 બેઠકો મળી હતી. યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશમાં 37 વર્ષમાં એવા પ્રથમ મુખ્યપ્રધાન છે કે જેમને રાજ્યના મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષની પૂરી મુદત કર્યા બાદ ફરી ચૂંટાઈ આવ્યા હતા.