પશ્ચિમ બંગાળના બીરભૂમ હત્યાકાંડને નાઝી કોન્સ્ટ્રેશન કેમ્પ ગણાવતા ભાજપે મુખ્યપ્રધાન મમતા બેનરજી પર પ્રહાર કર્યા હતા. ભાજપે ગુરુવારે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાને લેશમાત્ર મમતા દર્શાવી નથી અને નિર્મમ બન્યા છે, કારણ કે ઘટનાસ્થળે તેમને આવકારવા મોટો મોટા પોસ્ટર્સ લાગ્યા છે.
બંગાળમાં ટીએમસી નેતાની હત્યા બાદ મહિલાઓ અને બાળકો સહિત આઠ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ નરસંહારથી રાષ્ટ્રીય રોષ ઊભો થયો છે. પશ્ચિમ બંગાળના ભાજપના નેતાઓ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી રહ્યાં છે.
નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ આગમાં ભડથું થઈ ગયેલા મૃતદેહોના ફોટોગ્રાફ દર્શાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ તસ્વીરો પશ્ચિમ બંગાળમાં માનવતાનું મોત થયું હોવાનું દર્શાવે છે. ઓટોપ્સી રીપોર્ટને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે આંગ ચાંપતા પહેલા મૃતકો સાથે નિર્મમ રીતે મારપીટ કરાઈ હતી. આ સમગ્ર ઘટના નાઝી કોન્સ્ટ્રેશન કેમ્પ જેવી છે. એક રાજકીય પક્ષનો આ નરસંહાર છે. રાજકીય બદલો લેવા નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યા થઈ છે.
તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ભાજપના 200થી વધુ કાર્યકર્તાની હત્યા થઈ હોવાનો દાવો કરતાં તેમણે જણાવ્યું હતું,”રાજકીય હત્યા અને બદલાની આ બેંગાલ ફાઇલ્સ છે. મમતા બેનરજી કોઇ મમતા દર્શાવતા નથી, પરંતુ નિર્મમ બનીને કામ કરી રહ્યાં છે. આપણે તેમનું નામ બદલીને નિર્મમ બેનરજી રાખવું જોઇએ, કારણ કે તેમનામાં મમતાનો લેશમાત્ર અંશ નથી. મમતાની બિરભૂમની મુલાકાતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે દીદી 100 લોકોની હત્યા પછી હજ પર જઈ રહ્યાં છે. તેમના આવકારવા માટે મોટા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જે શરમજનક છે.