કેન્દ્ર સરકાર ઘણા સમયથી માલ્યા સહિતના ભાગેડુ બિઝનેસમેનને દેશમાં લાવવાના પ્રયાસ કરી રહી છે ત્યારે કડક કાર્યવાહીમાં છેતરપિંડી કરીને વિદેશ જતા રહેલા આ બિઝનેસમેનની એસેટ્સ જપ્ત કરવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની રૂ.૧૯,૧૧૧.૨૦ કરોડની એસેટ્સ ટાંચમાં લેવાઈ છે.
નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, “ત્રણ ભાગેડુ બિઝનેસમેને તેમની કંપનીઓ દ્વારા સરકારી બેન્કો સાથે છેતરપિંડી કરી હતી. તેને લીધે આ બેન્કોને રૂ.૨૨,૫૮૫.૮૩ કરોડનું નુકસાન થયું હતું.” તેમણે કહ્યું હતું કે, “૧૫ માર્ચ, ૨૦૨૨ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઇ હેઠળ રૂ.૧૯,૧૧૧.૨૦ કરોડની એસેટ્સ ટાંચમાં લેવાઈ છે. રૂ.૧૯,૧૧૧.૨૦ કરોડમાંથી રૂ.૧૫,૧૧૩.૯૧ કરોડની રકમ સરકારી બેન્કોને સોંપી દેવામાં આવી છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રૂ.૩૩૫.૦૬ કરોડની એસેટ્સ સરકારે જપ્ત કરી છે.
ચૌધરીએ જણાવ્યું હતું કે, “૧૫ માર્ચ, ૨૦૨૨ના રોજ આ અંગેના વિવિધ કેસમાં ફ્રોડની કુલ રકમના ૮૪.૬૧ ટકા જેટલી એસેટ્સ જપ્ત કરવામાં આવી છે. જેમાંથી ૬૬.૯૧ ટકા એસેટ્સ નુકસાન પેટે બેન્કો અને કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે.”