આવકવેરા વિભાગે દેશની સૌથી મોટી ટુ વ્હિકલ કંપની હીરો મોટોકોર્પ અને તેના ચેરમેન પવન મુંજાલના સંખ્યાબંધ સંકુલો પર દરોડો પાડ્યા હતા. કંપની સામે કરચોરીની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. કંપનીએ આઇટીના દરોડને રૂટિન તપાસ ગણાવીને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષના પહેલા આવી તપાસ સામાન્ય બાબત છે.
કંપનીના ચેરમેન અને સીઇઓ પવન મુંજાલની ગુરુગ્રામ (હરિયાણા), દિલ્હી અને બીજા સ્થળો પર આવેલી ઓફિસો અને રહેણાંક સંકુલો પર દરોડા પડ્યા હતા.
આવકવેરા અધિકારીઓએ જણાવ્યું હતું કે અધિકારીઓની ટીમ કંપની અને તેના પ્રમોટર્સના નાણાકીય દસ્તાવેજ અને બીજા બિઝનેસ ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહ્યાં છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવકવેરા વિભાગના અધિકારીઓએ દિલ્હી અને ગુરુગ્રામમાં અમારી બે ઓફિસો તથા ચેરમેન અને સીઇઓ પવન મુંજાલના નિવાસસ્થાનની બુધવારે મુલાકાત લીધી હતા. અમને માહિતી આપવામાં આવી છે કે આ રૂટિન તપાસ છે, જે નાણાકીય વર્ષના અંત પહેલા સામાન્ય રીતે થતી હોય છે. કંપનીએ જણાવ્યું હતું કે હીરો મોટોકોર્પ કાયદાનું પાલન કરતી કંપની છે તથા કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચ ધોરણોનું પાલન કરે છે. કંપની સત્તાવાળાને સંપૂર્ણ સહકાર આપી રહી છે.
હીરો મોટોકોર્પ એક કેલેન્ડર વર્ષમાં વેચાણના સંદર્ભમાં 2001માં વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની બની હતી અને છેલ્લા 20 વર્ષથી તેણે આ સ્થાન જાળવી રાખ્યું છે. પવન મુંજાલ આગેવાની હેઠળની કંપની વિશ્વના 40 દેશોમાં બાઈક તથા સ્કૂટરની નિકાસ કરે છે.