લંડનની સિટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 19 વર્ષની વિદ્યાર્થીની સબિતા થાનવાનીની હત્યાની શંકા અને ઇમરજન્સી વર્કર પર હુમલો કરવાના આરોપસર તેણીના 22 વર્ષીય ટ્યુનિશીયન બોયફ્રેન્ડ મહેર મારૌફેની ધરપકડ કરી તહોમત મૂકવામાં આવ્યું હતું. બ્રિટિશ નાગરિક સબિતા ગળામાં ગંભીર ઇજાઓ સાથે મૃત હાલતમાં તેના સેન્ટ્રલ લંડનના ક્લેર્કનવેલમાં સેબેસ્ટિયન સ્ટ્રીટ ખાતે આવેલ સ્ટુડન્ટ હાઉસિંગ હોલ, આર્બર હાઉસમાંથી મળી આવી હતી.
મહેરને મંગળવારે, 22 માર્ચના રોજ હાઇબરી કોર્નર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કસ્ટડીમાં હાજર કરાયો હતો. તા. 21 માર્ચના રોજ વ્હીટિંગ્ટન હોસ્પિટલમાં હાથ ધરાયેલ પોસ્ટમોર્ટમ તપાસમાં સબિતાના મૃત્યુનું કારણ ગરદન પર કરાયેલ ઇજા જવાબદાર હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓને શનિવારે તા. 19ના રોજ સવારે 5.10 વાગ્યે ક્લેર્કનવેલ ખાતે બોલાવાયા હતા. મેટ પોલીસે શનિવારે સવારે વિદ્યાર્થીઓના આવાસમાં જણાયેલા મહેરની સીસીટીવી ઇમેજ જાહેર કરી હતી. પોલીસે મહેરને શોધવા માટે કરેલી અપીલમાં જણાવ્યું હતું કે ટ્યુનિશિયન નાગરિક મહેર પોતે વિદ્યાર્થી નથી, પરંતુ તે મુસાફરી કરવા માટે જાણીતો છે અને તેની સમગ્ર લંડન અને કેમ્બ્રિજશાયરમાં લિંક્સ છે. પોલીસનું માનવું છે કે બચવા માટે તેણે માથાના વાળ અને દાઢી મુંડાવી નાખ્યા છે.
પોલીસે સબિતાના પરિવારને જાણ કરી હતી અને નિષ્ણાત અધિકારીઓ દ્વારા તેમને મદદ કરાઇ રહી છે. ગંભીર રીતે ઘાયલ સબિતાને ઇમરજન્સી સેવાઓના પ્રયત્નો છતાં બચાવી શકાઇ ન હતી. તેણી યુનાઈટેડ સ્ટુડન્ટ્સની માલિકીના ફ્લેટમાં પાંચમા માળે રહેતી હતી.
પડોશમાં રહેતા અર્શ શ્રીવાસ્તવ નામના બિઝનેસ સ્ટુડન્ટે જણાવ્યું હતું કે ‘’સવારે 5.45 વાગ્યે મેં એક અવાજ સાંભળ્યો જે મોટા માણસ જેવો લાગતો હતો. મેં ફાયર એલાર્મ વાગતું સાંભળ્યું હતું અને નજીકના ગ્રાઉન્ડ ફ્લોરમાંથી કોઈ બહાર નીકળી રહ્યું હોય તેવું સાંભળ્યું હતું. મને લાગ્યું કે તે શંકાસ્પદ છે. તે પછી લગભગ અડધા કલાક પછી પોલીસ આવી હતી.’’
એક રહેવાસીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘’બિલ્ડિંગમાં સુરક્ષા વ્યવસ્થા ઢીલી હતી અને ફક્ત વિકડેઝમાં બપોરે 12થી 8 વાગ્યા સુધી સુરક્ષા રહેતી.‘’
ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર લિન્ડા બ્રેડલીએ અગાઉ જણાવ્યું હતું કે, ”અત્યાર સુધીના પ્રારંભિક સંકેતો સૂચવે છે કે પીડિતા સબિતાને મહેર સાથે સંબંધ હતા અને તે સાંજે તેઓ સાથે હતા. સબિતાના પરિવારને આ ઘટનાની જાણકારી અપાઇ છે. અમે તેમના પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ ખૂબ જ મુશ્કેલીભર્યા સમયમાં હું સૌ કોઈને તેમની પ્રાઈવસીનું સન્માન કરવા અપીલ કરૂં છું.’
ઇસ્લિંગ્ટન પોલીસ સ્ટેશન ચિફઇન્સપેક્ટર એડમ ઇન્સ્ટોને કહ્યું હતું કે ‘’કુશળ અને અનુભવી ડીટેક્ટીવ્સની આગેવાની હેઠળ હત્યાની તપાસ ચાલી રહી છે. જવાબદારને ઓળખી તેમની ધરપકડ કરવા માટે અથાક મહેનત કરશે. ફોરેન્સિક નિષ્ણાતો સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
સબિતાના પરિવારે તેણીને શ્રદ્ધાંજલિ આપતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે “સબિતા થનવાની અમારી દીકરી હતી. અમારી એંજલ હતી. અમને આશા હતી કે તેણીનું જીવન લાંબુ હશે, પણ તે દુ:ખદ રીતે ટૂંકું થઈ ગયું હતું. તેણીને ખૂબ જ પ્રેમ કરતા તેની મમ્મી, પપ્પા, ભાઈ, દાદા દાદી, વિસ્તૃત કુટુંબ અને મિત્રોથી દૂર કરવામાં આવી હતી. સબિતા સૌની કાળજી રાખનારી અને પ્રેમાળ વ્યક્તિ હતી. તેણે તેના અમૂલ્ય એવા 19 વર્ષના જીવનના દરેક દિવસે અમને પ્રેરણા આપી હતી. તેણીનું મિશન દરેકને મદદ કરવાનું હતું. તે આ માટે સિટી યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતી હતી. તેણીનું આખું જીવન તેણીની આગળ હતું, એક એવું જીવન જ્યાં તેણીનું ખુશખુશાલ સ્મિત અને અવિશ્વસનીય હૃદય ફક્ત હૂંફ અને દયા ફેલાવી શકે છે.’’
‘’તેણીના ટૂંકા જીવનમાં, તેણીએ ઘણી મદદ કરી હતી. સબિતાને કોઈમાં ખરાબી દેખાતી ન હતી, કારણ કે તેના પોતાના અદ્ભુત હૃદયમાં કોઈ ખરાબી નહોતી. અમે ક્યારેય અમારી સુંદર, બદલી ન શકાય તેવી સબિતાને પ્રેમ કરવાનું કે ચૂકી જવાનું બંધ કરીશું નહીં. તે પૃથ્વી પર એંજલ હતી અને હવે સ્વર્ગમાં પણ એંદલ જ રહેશે. અમે ફક્ત પ્રાર્થના કરી શકીએ છીએ કે બરોબર પાઠ શીખવવામાં આવે અને કોઈક રીતે, એવો દિવસ આવશે જ્યારે છોકરીઓ અને સ્ત્રીઓ સુરક્ષિત હશે. અમે મેટ્રોપોલિટન પોલીસનો અમારી સબિતાને ન્યાય મેળવવા માટે તેમના સમર્પણ અને અથાક કાર્ય માટે ક્યારેય પૂરતો આભાર માની શકીશું નહીં. અમારા હૃદયથી, અમે દરેકને તેમના પ્રેમ અને સમર્થન માટે આભાર માનીએ છીએ. અમારી વિનંતી છે કે અમારી ગોપનીયતાનો આદર કરવામાં આવે જેથી એક કુટુંબ તરીકે અમે શાંતિથી શોક પાળી શકીએ.”