યોર્કશાયર કાઉન્ટીના ચેરમેન લોર્ડ કમલેશ પટેલે અઝીમ રફીક સ્કેન્ડલના પગલે પોતાની સામે કરવામાં આવી રહેલા બેફામ આક્ષેપોના પગલે કાઉન્ટીના બોર્ડમાંથી રાજીનામુ આપી દેવાની ધમકી આપી છે. લોર્ડ પટેલ અને તેમના વિરોધીઓ વચ્ચેનો આ વિવાદ યોર્કશાયર કાઉન્ટીના ભાવિ તેમજ તેના ઈન્ટરનેશનલ સ્ટેટસ સામે પ્રશ્નાર્થો ઉભા કરી રહ્યો છે.
લોર્ડ પટેલે અઝિમ રફીક સ્કેન્ડલનો જે રીતે પ્રતિભાવ આપ્યો છે તેના પગલે તેના રાજીનામાની માંગણી કેટલાક લોકો કરી રહ્યા છે. યોર્કશાયર કાઉન્ટી દ્વારા આ વર્ષે સમરમાં હેડીંગ્લી ખાતે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમની પ્રવાસી વિદેશી ટીમો સાથેની કેટલીક મેચ યોજવાના પ્રયાસો કરાયા હતા, પણ તેમાં સફળતા મળી નહોતી. યોર્કશાયર કાઉન્ટી દેવામાં ડૂબેલી છે અને તેના બોર્ડના સભ્યોને જણાવાયું છે કે, તેમણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સૂચવેલા સુધારાને બહુમતી મત દ્વારા બહાલી આપવી ફરજીયાત છે, તો જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના યજમાનપદ માટેનો તેમનો દરજ્જો ફરી બહાલ કરી શકાશે.
સુધારાની સમગ્ર પ્રક્રિયાની કાનૂની યોગ્યતાને વારંવાર અને જોરશોરથી કેટલાક લોકો પડકારી રહ્યા છે અને તેમાં યોર્કશાયર કાઉન્ટીના લોર્ડ પટેલના પુરોગામી – રોબિન સ્મિથ મોખરે છે. ક્લબની સમગ્ર કોચિંગ ટીમને રફીક સ્કેન્ડલમાં બરતરફ કરવામાં આવી તેના પગલે સંભવ છે કે, તેમને બધાને મળી લાખ્ખો પાઉન્ડ્ઝનું વળતર ચૂકવવું પડશે અને એવું થશે તો એ નાણાંની વ્યક્તિગત રીતે લોર્ડ પટેલની જવાબદારી ગણાશે એવું પણ સ્મિથે કહ્યું હતું. વિરોધીઓના આવા વલણના પગલે ગયા સપ્તાહે લોર્ડ પટેલે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના સિનિયર પદાધિકારીઓને લખી જણાવ્યું હતું કે, ઈસીબી તરફથી વિધિવત રીતે લોર્ડ પટેલને રફીક સ્કેન્ડલ મુદ્દે સમર્થન અપાય નહીં તો, મારા ઉપર વ્યક્તિગત રીતે કાનૂની કાર્યવાહીનું જોખમ ઉભું થાય છે અને તેવા સંજોગોમાં હું યોર્કશાયરના ચેરમેન તરીકેની જવાબદારી ચાલુ રાખી શકશી નહીં.