એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2022ની તારીખોની જાહેરાત કરી છે. શ્રીલંકામાં ટી-20 વર્લ્ડ કપની તર્જ મુજબ જ આ ટુર્નામેન્ટ રમાશે. એશિયા કપની ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે.
15મી એશિયા કપ સ્પર્ધામાં ભારતીય ટીમ ડીફેન્ડીંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. ટુર્નામેન્ટની ક્વોલિફાયર મેચો 20 ઓગસ્ટથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ અગાઉ સપ્ટેમ્બર 2020માં થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે તે સ્થગિત કરાઈ હતી, એ પછી તે જૂન 21 યોજવાનો નિર્ણય લેવાયો હતો, પણ તે બીજીવાર પણ સ્થગિત કરવી પડી હતી. હવે કોરોનાના કેસ ઓછા થયા છે અને પરિસ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે ત્યારે તે ઓગસ્ટ – સપ્ટેમ્બરમાં યોજવાનો નિર્ણય લેવાયો છે.
અત્યાર સુધીમાં 14 એશિયા કપ રમાઈ ચૂકી છે. ભારતીય ટીમ સૌથી વધારે, સાત વાર ચેમ્પિયન બની છે. શ્રીલંકા પાંચ વાર અને પાકિસ્તાન બે વાર ચેમ્પિયન બન્યુ છે.
કતાર ક્રિકેટ સંઘને કાઉન્સિલમાં પૂર્ણ કદના સભ્યનો દરજ્જો આપવામાં આવશે. કાઉન્સિલમાં પાંચ કાયમી સભ્યોમાં ભારત, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા છે. તે ઉપરાંત ઓમાન, ભૂતાન, નેપાળ, UAE, થાઈલેન્ડ, ચીન, બહેરીન, હોંગકોંગ સહિત અન્ય દેશોના બોર્ડ પણ તેના સભ્યો છે.