કાશ્મીરમાં હિન્દુ વિસ્થાપિતોની યાતના રજૂ કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મે રિલીઝ આઠ દિવસમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ’83’ જેવી બૉલીવુડ ફિલ્મોના બૉક્સ ઑફિસ કલેક્શનને પાછળ છોડી દીધું છે. આ સિવાય હોળીના અવસર પર રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ રિલીઝ થઈ હોવા છતાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બીજા સપ્તાહમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કલેક્શન કર્યું છે. આ ફિલ્મે 100 કરોડની ક્લબમાં સામેલ થઈને માત્ર આઠ દિવસમાં કુલ 116 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને લખ્યું કે, કાશ્મીર ફાઇલ્સે ઇતિહાસ રચ્યો છે. ફિલ્મે 8માં દિવસે 19.15 કરોડની કમાણી કરી હતી. આ કલેક્શન બાહુબલી 2 (19.75 કરોડ)ની નજીક છે અને દંગલ (18.59 કરોડ) કરતાં વધુ છે. આ બંને ફિલ્મો આઇકોનિક હિટ છે. કાશ્મીર ફાઇલ્સ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે. બીજા સપ્તાહમાં શુક્રવારે ફિલ્મે 19.15 કરોડની કમાણી કરી હતી. ભારતીય બજારમાં ફિલ્મનું કુલ કલેક્શન 116.45 કરોડ થઈ ગયું છે.