યુદ્ધગ્રસ્ત યુક્રેન અને પડોશી દેશોમાંથી ભારતના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના મિશનમાં સમર્થન અને મદદ કરવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સહિતના સ્વયંસેવી જૂથોની વ્યક્તિગત રીતે પ્રશંસા કરીને તેમનો આભાર માન્યો છે. મોદીએ મંગળવારે, 15 માર્ચ 2022ના રોજ મહત્ત્વના પક્ષકારો સાથેની સ્પેશ્યલ વીડિયો કોન્ફરન્સમાં પોતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારત સરકાર ‘ઓપરેશન ગંગા’ નામનું રેસ્ક્યૂ મિશન લોન્ચ કરીને યુક્રેનથી આશરે 23,000 ભારતીય નાગરિકોને સ્વદેશ લાવી હતી. આમાંથી 17 સ્પેશ્યલ ફ્લાઇટ મારફત પોલેન્ડથી આશરે 3700 નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા.
આ વીડિયો કોન્ફરન્સ પોલેન્ડ, સ્લોવાકિયા, હંગેરી અને રોમાનિયાના રાજદૂતોએ બોલાવી હતી અને તેમાં યુક્રેન કટોકટી વખતે મદદ કરનારા એનજીઓ અને કંપનીના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.
પોલેન્ડ અને લુથુઆનિયામાં ભારતના રાજદૂત નગ્મા એમ મલિકે પોલેન્ડના વોર્સોથી BAPSના સ્વયંસેવક બિમલ પટેલને આ વીડિયો કોન્ફન્સમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. બિમલ પટેલે શરણાર્થીઓને મદદ કરવા બીએપીએસ જેવી સ્વયંસેવી સંસ્થાઓ માટે મહત્ત્વનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા બદલ અને અંગત રીતે સતત સપોર્ટ કરવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
યુકે, આર્યલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝર્લેન્ડ, ઇટલી, પોલેન્ડ અને અમેરિકાના BAPSના આશરે 60 સ્વયંસેવકો તાકીદે પોલેન્ડની રાજધાની રેસઝોવ પહોચ્યા હતા. અહીં તેમણે તમામ ધર્મ અને દેશના નાગરિકો માટે આશરે 1,000 શાકાહારી ભોજનની વ્યવસ્થા કરી રહી હતી. ઇમર્જન્સી રાહત અને વહીવટી મદદ ઉપરાંત BAPSના સ્વયંસેવકોએ રેસઝોવ અને પોલેન્ડ-યુક્રેન બોર્ડર પર ભારતના દૂતાવાસે ઊભા કરેલા રાહત કેમ્પોમાં શરણાર્થીઓને ભાવનાત્મક સપોર્ટ અને સધિયારો આપ્યો હતો.
વડાપ્રધાન મોદીએ રવિવાર, 27 ફેબ્રુઆરીની મધ્યરાત્રીએ પૂજ્ય બ્રહ્મવિહારી દાસ સ્વામીને વ્યક્તિગત રીતે ફોનકોલ કર્યો હતો અને યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે BAPS સ્વામિનારાયણ સંસ્થાની મદદ માગી હતી.
પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પોલેન્ડમાં BAPSના આંતરરાષ્ટ્રીય રેસ્ક્યુ પ્રયાસોનું સંકલન કર્યું હતું. પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અંગત રીતે ભારપૂર્વક કહ્યું છે કે BAPSએ જરૂરિયાતના આ સમયે મદદનો હાથ લંબાવવો જ જોઇએ. તેઓ આ દયનીય સ્થિતિનો ભોગ બનેલા અને હજુ યાતના વેઠી રહેલા લોકોના કલ્યાણ માટે ખૂબ જ ચિંતિત છે અને BAPSના સ્વયંસેવકોને એકઠા કરીને શક્ય હોય તેટલા લોકોને મદદ કરવાની સૂચના આપી હતી.