બાંગ્લાદેશના ઢાકામાં 200 લોકોના ટોળાએ ઇસ્કોન રાધાકાન્ત મંદિરમાં તોડફોડ કરીને તેમાં લૂંટ ચલાવી હતી. આ હુમલામાં મંદિરના ઓછામાં ઓછા ત્રણ ભક્તો ઘાયલ થયા હતા. ઢાકાના વારી વિસ્તારના મોહન સાહા સ્ટ્રીટ પરના મંદિર પર હાજી શફીઉલ્લાહના આગેવાની હેઠળ આ ટોળાએ મંદિર પર હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે.
આ હુમલાની આકરી નિંદા કરતા ઇસ્કોન કોલકતાના વાઇસ પ્રેસિડન્ટ રાધારમણ દાસે જણાવ્યું હતું કે હિન્દુઓએ યુએન જેવી નામની સંસ્થાઓ પાસેથી મદદની અપેક્ષા છોડી દેવી જોઇએ, જે હિન્દુઓ પરના હુમલા વખતે મૂકપ્રેક્ષક બની જાય છે.
દાસે ટ્વીટર પર જણાવ્યું હતું કે ખૂબ જ કમનસીબ બાબત એ છે કે દોલ યાત્રા અને હોળીની ઉજવણીની પૂર્વસંધ્યાએ આ હુમલો થયો હતો. થોડા દિવસો પહેલા જ યુનાઇટેડ નેશન્સે 15 માર્ચે ઇસ્લામોફોબિયા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવાનો ઠરાવ પસાર કર્યો છે. આ જ યુનાઇટેડ નેશન્સ સેંકડો લાચાર બાંગ્લાદેશી અને પાકિસ્તાની લઘુમતીઓ પરની યાતના અંગે મૂકપ્રેક્ષક બની જાય છે. અસંખ્યા હિન્દુ લઘુમતીઓએ જીવન અને સંપત્તિ ગુમાવી છે અને બળાત્કાર થયા છે, પરંતુ અફસોસની વાત એ છે કે યુનાઇટેડ નેશન્સ માત્ર ઇસ્લામોફોબિયાની વિચારણા કરી શકે છે.
દાસે જણાવ્યું હતું કે મંદિર પરના હુમલામાં ઓછા ઓછા ત્રણ ભક્તો ઘાયલ થયા હતા. તેઓ રિકવર થઈ રહ્યાં છે અને તેમની હાલત ગંભીર નથી. ગયા વર્ષે નોઆખલીની ઘટનાથી વિરુદ્ધ આ વખતે બાંગ્લાદેશ સત્તાવાળાએ ઝડપથી પગલાં લઇને ટોળાને વિખેરી નાંખ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબર નવેમ્બરમાં નોઆખલીમાં હુમલા દરમિયાન ઇસ્કોનના એક સંતની હત્યા થઈ હતી અને પોલીસ આવી ન હતી.
દરમિયાન ભારતના હાઇ કમિશનને જણાવ્યું છે કે તે બાંગ્લાદેશમાં લઘુમતી જૂથો, કાયદા અમલીકરણ એજન્સીઓ અને વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં છે. બાંગ્લાદેશના સત્તાવાળાના જણાવ્યા મુજબ આ વિવાદનું કારણ ઇસ્કોન મંદિર આવેલું છે તે જમીન અંગેનો લાંબા ગાળાનો વિવાદ છે. ગયા વર્ષે દુર્ગા પૂજા પંડાલમાં કુરાનના કથિત અપમાનની અફવાને પગલે વ્યાપક હિંસા ફાટી નીકળી હતી અને તેમાં ત્રણના મોત થયા હતા.