હોળી અને ધૂળેટીના ઉત્સવની ઉજવણી કરવા માટે ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર દ્વારકા, ડાકોર, સાળંગપુર હનુમાન, અમદાવાદ ખાતેના કાળુપુર સ્વામીનારાયણ મંદિર સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દ્વારકામાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આશરે એક લાખ જેટલા ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે ગુજરાતના ખૂણે-ખૂણેથી આવી ગયા હતા. આ વખતે કેટલીક જગ્યાએ પૂનમ અને ધૂળેટી એમ બંનેની ઉજવણી એક જ દિવસે થવાની હોવાથી ચૌદસથી જ ભક્તોએ ડાકોરમાં પણ ધામા નાખ્યા હતા.
‘ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે’ના નાદથી ડાકોરની ગલીઓ ગૂંજી ઉઠી હતી. સાળંગપુરમાં પણ 35 વર્ષ બાદ પહેલીવાર ભવ્ય રંગોત્સવની ઉજવણી થઈ હતી. બે હજાર કિલોથી વધુ રંગો ભક્તો પર ઉડાવવામાં આવ્યો હતો, પ્રસાદ માટે 25 હજાર ચોકલેટોનો વરસાદ કરાયો હતો. જામનગરમાં ગુરુવારે શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા ભોઈ સમાજ દ્વારા યોજાયેલા હોલિકા મહોત્સવમાં હોલિકાના 30 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
આ વખતે કોરોના વાયરસના કેસ એકદમ ઓછા હોવાથી દ્વારકામાં પણ જનમેદની ઉમટી હતી. માત્ર સૌરાષ્ટ્ર જ નહી પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવા આવ્યા હતા. ગુરુવારે દ્વારકામાં એક લાખથી વધુ ભક્તો આવી પહોંચ્યા હતા, બુધવારે આશરે 1.15 લાખથી વધુ દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. આજે તેમા વધારો થાય તેવી શક્યતા છે.
યાત્રાધામ ડાકોરના રાજા રણછોડજીનો ફાગણ સુદી પૂર્ણિમાનો ઐતિહાસિક મળો ભરાયો હતો.આ અવસરે પદયાત્રી શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. જેને કારણે અમદાવાદથી ડાકોરનો મુખ્ય માર્ગ અને ડાકોર નગર રણછોડમય બન્યું હતું.વહેલી સવારે ૪.૪૫ વાગ્યે મંગળા આરતી ટાણે રાજા રણછોડના દર્શન માટે શ્રદ્ધાળુ ભક્તોનો ભારે ધસારો થયો હતો.. વિવિધ સંઘોમાં આવેલા યાત્રાળુઓ સવારે શણગાર આરતી અને ત્યારબાદના સમયગાળામાં દર્શન માટે ઉમટયા હતા. પૂનમના દિવસો દરમ્યાન અંદાજે સાડા ત્રણ લાખ ઉપરાંત શ્રધ્ધાળુઓએ ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. લાખો શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે મંદિર કમીટી દ્વારા ઠાકોરજીના દર્શન ૫ કલાક વધુ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ગોમતી ઘાટ પર સવારના સમયે અચાનક ગાયો આવી જવાથી થોડા સમય માટે નાસભાગ મચી હતી.
ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તેમજ જય રણછોડ, માખણચોરના નાદ સાથે રાત આડબંધોમાં વીતાવ્યા બાદ વહેલી સવારે પોણા પાંચ વાગ્યે મંગળાઆરતી વખતે જેવા મંદિરના દ્વાર ખુલ્યા તે સાથે જ દર્શન માટે ધસારો થયો હતો. રણછોડરાય મંદિરે ભગવાનને મંગળા સમયે કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. હોળીનો ઉત્સવ હોવાથી શ્રીજીને વસ્ત્રો સાથે માળા, બાજુબંધ, મુરલી, છડી, મુગટ,હાઇડાનો હાર તથા તિલક સહિતના કિમતી આભૂષણોના સુંદર શણવાર સજવામાં આવ્યા હતા. રંગોના અવસર ટાણે શ્રીજીએ પિચકારી પણ ધારણ કરી હતી. સવારે ૮ વાગ્યાની આસસપાસ ત્રણ ભોગ પછીના દર્શન ખુલ્યા બાદ પિચકારીમાંથી કેસૂડાના જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત અબીલ-ગુલાલ સાથે સપ્ત રંગોથી રંગોત્સવ મનાવવામાં આવ્યો ત્યારે શ્રીજી સન્મુખ આ લ્હાવો મળતા શ્રધ્ધાળુઓ હરખઘેલા બન્યા હતા.