ભારત સરકારે ગુરુવારે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે ઇન્ડિયન રેલવેનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. ભારતીય રેલવેના ખાનગીકરણની તમામ વાતો કાલ્પનિક છે સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ પ્રશ્રોના જવાબ આપતાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એેક નિવેદનમાં જણાવ્યું હતું કે કર્મચારીઓની ભરતી પર કોઇ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. હાલમાં ૧.૧૪ લાખ જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે ટ્રેનના પાટા રેલવેની માલિકીના છે. રેલવે સ્ટેશનો રેલવેના છે. એન્જિનો રેલવેના છે. ટ્રેનો રેલવેની છે. સિગ્નલ સિસ્ટમ રેલવેની છે. રેલવેના ખાનગીકરણ અંગે કોઇ વાત ચાલી રહી નથી. રેલવેના ખાનગીકરણની પણ કોઇ યોજના નથી.
માલગાડીઓના ખાનગીકરણની પણ કોઇ યોજના નથી. રેલવે દ્વારા યાત્રીઓને ૬૦,૦૦૦ કરોડ રૃપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચેની પ્રસ્તાવિત બુલેટ ટ્રેન અંગે પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં જમીન સંપાદનનું ૯૯.૭ ટકા કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ૭૫૦ પિલ્લરની રચના પણ કરી દેવામાં આવી છે. હાલમાં આઠ કિમી પ્રતિ મહિનાની ઝડપથી કાર્ય ચાલી રહ્યું છે જે વધારીને ૧૦ કિમી પ્રતિ કલાક કરવામાં આવશે.