કિશોર બિયાનીના વડપણ હેઠળની ફ્યુચર રિટેલએ બુધવારે જણાવ્યું કે, તે રિલાયન્સ રિટેલ પાસેથી પોતાના સ્ટોર પરત લેવા માટે પ્રતિબદ્ધ છે અને જરૂરિયાત પ્રમાણે પ્રાઇસ એડજસ્ટમેન્ટ માટે કાર્યવાહી કરશે. રિલાયન્સ ગ્રૂપ દ્વારા તેમના સ્ટોર્સનું અધિગ્રહણ તેમના માટે અચંબિત કરનારૂં પગલું છે.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ રિટેલે ફેબ્રુઆરીની શરૂઆતમાં ફ્યુચર રિટેલના ઓછામાં ઓછા 300 સ્ટોરના સંચાલનને પોતાના નિયંત્રણમાં લીધું હતું અને તેના કર્મચારીઓને નોકરીની ઓફર કરી હતી. બિયાની ગ્રૂપ સ્ટોર્સ માલિકોને ભાડાની ચુકવણી કરવામાં નિષ્ફળ રહ્યાં બાદ રિલાયન્સ રિટેલે આ પગલું ભર્યું હતું.
FRLના કહેવા પ્રમાણે કંપની અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રિલાયન્સ ગ્રૂપના આ પગલા સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને રિલાયન્સ ગ્રૂપને નોટિસ આપીને પાછલા કેટલાક દિવસોમાં તેમના દ્વારા ભરવામાં આવેલા પગલાઓ પર પુનર્વિચાર કરવા કહ્યું હતું.
FRLએ એમ પણ જણાવ્યું કે, અનેક મીડિયા રિપોર્ટ અને એમેઝોનની સાર્વજનિક નોટિસમાં ખોટી જાણકારી આપવામાં આવી છે કે કંપનીએ પોતાની રિટેલ એસેટ રિલાયન્સને સોંપી દીધી છે અને આ મધ્યસ્થતા ન્યાયાધિકરણ એસઆઈએસી (સિંગાપુર આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર) અને ઉચ્ચતમ ન્યાયાલયના આદેશોની વિરૂદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે એમેઝોને સમાચારપત્રોમાં એક સાર્વજનિક નોટિસમાં આરોપ લગાવ્યો હતો કે, FRL અને તેના પ્રમોટર્સે છાનામાના તથા ખોટી રીતે પોતાની દુકાનો રિલાયન્સને સોંપીને ભારતની અદાલતો અને સિંગાપુરના મધ્યસ્થતા કેન્દ્ર સાથે છેતરપિંડી કરી છે.