ફુગાવાને અંકુશમાં લેવા માટે અમેરિકાની ફેડરલ રિઝર્વે બુધવારે (16 માર્ચે) વ્યાજદરમાં વધારો કર્યો છે. અમેરિકન સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. વર્ષ 2018 બાદનો આ પ્રથમ વધારો છે. ફેડે આ વર્ષની બાકીની તમામ છ બેઠકોમાં પણ વ્યાજદરમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે.
વિશ્વના સૌથી મોટા અર્થતત્રમાં હવે વ્યાજદર 0.25%થી વધારીને 0.50% કરવાની જાહેરાત ફેડે કરી છે. દેશના અર્થતંત્ર માટે સૌથી વધુ ચિંતાનો વિષય હાલ મોંઘવારી છે અને સ્થિતિ બેકાબૂ ન બને તે માટે વ્યાજદરમાં વધારો કરવાનું તર્ક ફેડે આપ્યો છે. યુએસ ફેડે કહ્યું કે સમય આવી ગયો છે કે રેટ વધારવા પડે. લાંબાગાળા સુધી નીચા વ્યાજદર આ સ્થિતિમાં અર્થતંત્રના વિકાસ માટે જ નકારાત્મક સાબિત થઈ શકે છે. ફેડના કમિટી સભ્યોએ ફુગાવાનો ટાર્ગેટ 2.6%થી વધારીને 4.2% કર્યો છે અને સાથે-સાથે અમેરિકાના અર્થતંત્રના વિકાસ દરનું અનુમાન પણ 4%થી ઘટાડીને 2.8% કર્યું છે.
યુક્રેન યુદ્ધની સાથે ફેડ દ્વારા વ્યાજદર વધારાની આશંકાએ ભારતીય ચલણમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે રૂપિયો ડોલરની સામે 35 પૈસાના સુધારે 76.26 પર બંધ આવ્યો હતો.