પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય પછી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ક્રિકેટર હરભજનસિંહને રાજ્યસભાનો ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. ભજ્જીને પંજાબમાં બનનારી સ્પોર્ટસ યુનિવર્સિટીનુ સંચાલન પણ સોંપવામાં આવી શકે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને જાહેરાત કરી હતી પંજાબમાં રમત ગમતને પ્રોત્સાહન આપવામાં આવશે. નવી સરકારે જલંધરમાં સ્પોર્ટસ યુનિવર્સિટી બનાવવાનુ નક્કી કર્યુ છે.
41 વર્ષના હરભજનને જો રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવશે તો તેઓ સાંસદ તરીકે કામ કરનારા સચિન તેડુંલકર જેવા ભૂતપૂર્વ સ્પોર્ટ્સપર્સનમાં સામેલ થશે.આ મહિનાના અંત સુધીમાં રાજ્યસભા માટે આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળવાની છે અને તેના માટે પહેલુ નામ હરભજનસિંહનુ સામે આવ્યુ છે. હરભજનના નામની અટકળો કેટલાક સમય પહેલાથી ચાલી રહી હતી.ભગવંત માન અને હરભજનસિંહ નિકટના મિત્રો મનાય છે અને ભગવંતસિંહને આપની જીત બદલ હરભજને અભિનંદન પણ આપ્યા હતા.