India launches e-Visa facility for Canada
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના મહામારીના બે વર્ષ સુધી સ્થગિત કરવામાં આવ્યા પછી ભારત સરકારે તાકીદની અસર (16 માર્ચ)થી વિદેશી નાગરિકો માટે રેગ્યુલર પેપર વિઝા અને ઇ-ટુરિસ્ટ વિઝા ફરી બહાલ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હવેથી સરકાર નવા રેગ્યુલર વિઝા અને ઇ- વિઝા પણ જારી કરશે. આમ સરકારે બે વર્ષના બ્રેક પછી વિદેશી પ્રવાસીઓ માટે તેના દ્વાર ખોલી નાંખ્યા છે.

સરકારે તાકીદની અસરથી 156 દેશોના નાગરિકોને આપવામાં આવેલા હાલમાં માન્ય હોય તેવા તમામ પાંચ વર્ષના ઇ-ટુરિસ્ટ વિઝા અને તમામ દેશોના નાગરિકોને આપવામાં આવેલા રેગ્યુલર પેપર વિઝા પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકા અને જાપાનના નાગરિકોને આપવામાં આવેલા તમામ લોંગ ડ્યુરેશન (10 વર્ષ) રેગ્યુલર ટુરિસ્ટ વિઝા પુનઃસ્થાપિત કર્યા છે. અમેરિકા અને જાપાનના નાગરિકોને નવા લોંગ ડ્યુરેશન ટુરિસ્ટ વિઝા પણ જારી કરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે માર્ચ 2020થી સસ્પેન્ડ કરવામાં આવેલા તથા પાંચ વર્ષ માટે જારી કરવામાં આવેલા વેલિડ ઇ-ટુરિસ્ટ વિઝા  156 દેશોના નાગરિકો માટે પુનઃ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. આ તમામ 156 દેશોના નાગરિકોને વિઝા મેન્યુઅલ 2019 મુજબ નવા ઇ-ટુરિસ્ટ વિઝા પણ જારી કરવામાં આવશે.

તમામ દેશોના વિદેશી નાગરિકોને જારી કરવામાં આવેલા 5 વર્ષની વેલિડિટી સાથેના હાલમાં માન્ય હોય તેવા રેગ્યુલર (પેપર) ટુરિસ્ટ વિઝા પણ પુનઃસ્થાપિત કરાશે. આ વિઝા પણ માર્ચ 2020થી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે સમયાંતરે લાદવામાં આવતા નિયંત્રણોને આધીન પાત્રતા ધરાવતા દેશોના નાગરિકોને પાંચ વર્ષ સુધીની વેલિડિટીના નવા રેગ્યુલર (પેપર) ટુરિસ્ટ વિઝા પણ જારી કરવામાં આવશે.

માર્ચ 2020થી સસ્પેન્ડ કરવામાં આવેલા હાલમાં વેલિડ ઓલ્ડ લોંગ ડ્યુરેશન (10 વર્ષ) રેગ્યુલર ટુરિસ્ટ વિઝા અમેરિકા અને જાપાના નાગરિકો માટે રેસ્ટોર કરાશે. અમેરિકા અને જાપાનના નાગરિકોને નવા લોંગ ડ્યુરેશન ટુરિસ્ટ વિઝા પણ જારી કરવામાં આવશે.

ટુરિસ્ટ અને ઇ-ટુરિસ્ટ વિઝા સાથે વિદેશી નાગરિકો નિર્ધારિત સી ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સ (આઇપી) અથવા ફ્લાઇટ મારફત એરપોર્ટ આઇસીપી દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકશે. આવા વિદેશી નાગરિકો એવિયેશન નિયમનકાર ડીજીસીએ અથવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંજૂરી આપી હોય તેવી કોઇપણ ફ્લાઇટ્સ અથવા વંદે ભારત મિશન અથવા એર બબલ સ્કીમ હેઠળની ફ્લાઇટ મારફત ભારતમાં પ્રવેશ કરી શકશે.

કોઇપણ કિસ્સામાં વિદેશી નાગરિકો ટુરિસ્ટ વિઝા કે ઇ-ટુરિસ્ટ વિઝાના આધારે જમીની સરહદ કે નદી માર્ગ મારફત દેશમાં આવી શકશે નહીં.સરકારની સૂચનાઓ અફઘાનિસ્તાનના નાગરિકોને લાગુ પડશે નહીં. અફઘાનિસ્તાનના નાગરિકો માટે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી અલગ સૂચના લાગું પડશે.

અગાઉ કેન્દ્ર સરકારે બે વર્ષના લાંબા બ્રેક પછી  ભારતમાં ૨૭ માર્ચથી શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ૨૭ માર્ચથી શરૂ થતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ૧૦ ફેબ્રુઆરીએ જારી કરેલી માર્ગરેખાનું પાલન કરવાનું રહેશે.