ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. ઉત્તર પ્રદેશમાં ૩૬ વર્ષ પછી પહેલી વાર સતત બહુમતીની સરકાર રિપીટ થઇ છે. તો બીજી તરફ કોંગ્રેસના પાંચેય રાજ્યોમાં સૂપડાસાફ થઇ ગયા છે. ઉત્તર પ્રદેશની વાત તો બાજુએ રહેવા દઇએ કારણ કે અહીં તો તે ચૂંટણી પહેલાથી જ હરિફાઇમાં ન હતી પરંતુ પંજાબમાં તો તેણે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. સૌથી જૂની રાજકીય પાર્ટીના આવા ભૂંડા હાલ થાય તો આંચકો તો લાગવાનો જ છે.
ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પાર્ટીના પરાજય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે જનતાનો ચૂકાદો સ્વીકારીએ છીએ. હું જીતનાર દરેક પાર્ટીને શુભેચ્છા પાઠવુ છું. છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસનો સમગ્ર દેશમાં સતત રકાસ થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં આ વખતે કોંગ્રેસની સઘળી જવાબદારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંભાળી હતી. તેમણે અહીં આ વખતે મહિલા કાર્ડનો ઉપયોગ કર્યો હતો પરંતુ તેમનો દાવ ફેલ થઇ ગયો છે. પંજાબમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો આંતરિક ઝઘડો સપાટી પર હતો. મુખ્યપ્રધાન ચન્ની, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ઘુ, પાર્ટી છોડી ગયેલા કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચેની લડાઇએ જ રાજ્યમાં કોંગ્રેસનો ભોગ લીધો છે.