કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએસન્સ (FIA) દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરવા બદલ અને મોખરાનું યોગદાન આપવા માટે ઇન્ટરનેશનલ મહિલા દિન નિમિત્તે છ પથદર્શક મહિલાઓનું ન્યૂયોર્કમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ છ સન્માનિતોમાંથી ત્રણ ગુજરાતી મહિલાઓ છે.
ઉદ્યોગસાહસિક સેજલ લાખાણી – ભટ્ટ, ન્યૂજર્સીમાં મ્યુનિસિપલ કોર્ટના સાઉથ એશિયન સમુદાયના પ્રથમ મહિલા જજ દીપ્તિ વૈદ્ય દેઢિયા, બંકાઈ ગ્રુપનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ગ્રુપ સ્ટ્રેટેજિસ્ટ પ્રિયંકા બ્રહ્મભટ્ટ, કોમ્યુનિટી કાર્યકર સીમાકુમાર, ઉદ્યોગસાહસિક અને દાતા છાયા પમુલા તથા ગર્લ્સ ઓન ધ રન NYCનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એલિસન હાઉઝરને ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એવોર્ડથી સન્માનિત કરાયા હતા. કોન્સલ જનરલ રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારત સરકાર મહિલા સશક્તિકરણ, મહિલા વિકાસ અને પ્રગતિને દેશના વિકાસ તથા સમૃદ્ધિના કેન્દ્રમાં લાવવા સંકલ્પબદ્ધ અને કાર્યરત છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે, સંગઠિત પગલાં દ્વારા 2030 સુધીમાં જાતીય સમાનતા અને મહિલા સશક્તિકરણના સ્થિર વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવા વિશ્વ સક્ષમ બનશે.
FIAનાં પ્રેસિડેન્ટ કેની દેસાઈએ જણાવ્યું હતું કે, ‘સદીઓથી આપણી સંસ્કૃતિ પર નારી શક્તિનો પ્રભાવ છે’ તેમજ સમાજના નિર્માણ અને ઉત્કર્ષમાં મુખ્ય ભૂમિકા હંમેશા મહિલાઓએ જ ભજવી છે. FIAના ચેરમેન અંકુર વૈદ્યે સન્માનિતોને અભિનંદન પાઠવ્યા હતા અને વ્યક્તિના જીવન ઘડતરમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા વિષે વાત કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા, ડેન્ટિસ્ટ અને જાહેર આરોગ્ય નિષ્ણાત આભા જયસ્વાલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક પ્રક્રિયા છે અને શું કરાયું છે અને હજુ શું કરવાની જરૂર છે તે પ્રતિબિંબિત કરવાનો દિવસ છે.