સોમવારે (14 માર્ચ) ભારતે શ્રીલંકા સામેની સીરીઝના અંતે ફરી એકવાર 238 રને જંગી વિજય હાંસલ કર્યો હતો. આ રીતે, શ્રીલંકાને પણ ભારતે પોતાના ઘરઆંગણે ત્રણ ટી-20 અને પછી બે ટેસ્ટ મેચની સીરીઝમાં સંપૂર્ણપણે પરાસ્ત કર્યું હતું. ગયા સપ્તાહે પ્રથમ ટેસ્ટમાં પણ ભારતનો 222 રને વિજય થયો હતો. બન્ને ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ પુરી થઈ ગઈ હતી.
બેંગલુરુમાં સોમવારે પુરી થયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માનો આ નિર્ણય સાચો સાબિત થયો હતો, જો કે, ચિન્નાસ્વામી સ્ટેડિયમની વિકેટ પહેલા દિવસથી જ સ્પિનર્સને મદદરૂપ થઈ રહી હતી. ભારતની પહેલી ઈનિંગ પણ પહેલા દિવસે જ, ફક્ત 60 ઓવરમાં પુરી થઈ ગઈ હતી. શ્રેયસ ઐયરના 92, ઋષભ પંતના 39 અને હનુમાં વિહારીના 31 રન મુખ્ય હતા, તો શ્રીલંકા તરફથી લસિથ એમ્બુલ્ડેનીઆ અને પ્રવીણ જયવિક્રમાએ 3-3 તથા ધનંજય ડીસિલ્વાએ બે વિકેટ લીધી હતી.
જવાબમાં દિવસ પુરો થતાં સુધીમાં શ્રીલંકાએ તેની પહેલી ઈનિંગમાં 30 ઓવર્સમાં 86 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ચાના વિરામ સુધીમાં જ ભારતે 6.4 ઓવર્સમાં ફક્ત 16 રન આપી ત્રણ વિકેટ તો લઈ લીધી હતી. બીજા દિવસે મેચ થોડી મોડી શરૂ થઈ હતી, પણ છ ઓવરમાં તો ભારતે બાકીની ચાર વિકેટ ખેરવી નાખી હતી અને શ્રીલંકાનો સ્કોર ફક્ત 109 થયો હતો. એન્જેલો મેથ્યુઝે 43, વિકેટકીપન ડિકવેલાએ 21 અને ડીસિલ્વાએ 19 રન કર્યા હતા, તો ભારત તરફથી બુમરાહે પાંચ, મોહમદ શામી અને અશ્વિને 2-2 તથા અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.
ભારતના બેટ્સમેને બીજી ઈનિંગમાં તો ધમાકેદાર બેટિંગ કરી 4.40 રનની સરેરાશથી 69માં ઓવરમાં 9 વિકેટે 303 રન કરી ઈનિંગ ડિકલેર કરી દીધી હતી. શ્રેયસ ઐયર ફરી 67 રન સાથે હાઈએસ્ટ સ્કોરર રહ્યો હતો, તો પંતે 50, રોહિત શર્માએ 46, વિહારીએ 35 અને મયંક અગ્રવાલ તથા જાડેજાએ 22-22 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી જયવિક્રમાએ 4 અને એમ્બુલ્ડેનીઆ 3 વિકેટ લીધી હતી. આ રીતે, શ્રીલંકા સામે ચોથી ઈનિંગમાં 447 રનનો લગભગ અશક્ય ગણાતો ટાર્ગેટ આવ્યો હતો. અને સુકાની દિમુથ કરૂણારત્નેની લડાયક સદી છતાં ત્રીજા દિવસે બીજા સેશનમાં શ્રીલંકાની ઈનિંગ ફરી 60મી ઓવરમાં 208 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અશ્વિને 4, બુમરાહે 3, અક્ષર પટેલે 2 અને જાડેજાએ એક વિકેટ લીધી હતી.
શ્રેયસ ઐયરને પ્લેયર ઓફ ધી મેચ તથા ઋષભ પંતને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.