સંસદના બજેટ સત્રના બીજા ભાગનો સોમવારથી પ્રારંભ થશે. સંસદમાં વિપક્ષ એમ્પ્લોઇડ પ્રોવિડન્ટ ફંડના વ્યાજદરમાં ઘટાડો, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો, બેરોજગારી અને મોંઘવારી સહિતના મુદ્દે સરકારને ઘેરશે. એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને શનિવારે પીએફના રેટને 8.5 ટકાથી ઘટાડે 8.1 ટકા કર્યો હતો. આ મુદ્દે સંસદમાં વિરોક્ષ પક્ષો જોરદાર વિરોધ કરે તેવી શક્યતા છે. કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થયો હોવાથી સવારે 11 વાગ્યાથી એકસાથે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી ચાલુ થશે.
સરકારની ટોચની પ્રાથમિકતા બજેટની દરખાસ્તો માટે સંસદની મંજૂરી તથા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના બજેટની રજૂઆત હશે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સોમવારે લોકસભામાં જમ્મુ અને કાશ્મીરનું બજેટ રજૂ કરશે.સરકાર બંધારણ (અનુસૂચિત જનજાતિ) આદેશ (સુધારા) બિલ માટે લોકસભાની મંજૂરી મેળવવાની યોજના બનાવી છે.
કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થયો હોવાથી લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી એકસાથે સવારે 11 વાગ્યે ચાલુ થશે. બજેટ સત્રના પ્રથમ ભાગમાં 29 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી બંને ગૃહોની કાર્યવાહી અલગ-અલગ શિફ્ટમાં ચાલુ રહી હતી. પાંચમાંથી ચાર રાજ્યમાં કેન્દ્રમાં સત્તાધારી ભાજપના વિજય પછી સંસદની કાર્યવાહી ફરી ચાલુ થઈ હતી.
સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે બજેટ સત્રના પ્રથમ ભાગનો પ્રારંભ 29 જાન્યુઆરીએ થયો હતો. આ પછી આર્થિક સરવે રજૂ કરવામાં આવ્યો હતો. નાણાપ્રધાન સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.
બજેટ સત્રના ફરી પ્રારંભ પહેલા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પોતાના નિવાસસ્થાને પક્ષના સંસદીય વ્યૂહરચના ગ્રૂપની બેઠક યોજી હતી તથા સંસદમાં સમાન વિચારણી ધરાવતા પક્ષો સાથે સંકલન સાધવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું હતું કે સંસદના સત્રમાં જાહેર મહત્ત્વના મુદ્દા ઉઠાવવા માટે અમે બીજા સમાન વિચારસણી ધરાવતા પક્ષો સાથે સંકલન કરીશું. આ સેશનમાં યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીની સુરક્ષા, મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતો માટે ટેકાના લઘુતમ ભાવ સહિતના મુદ્દા ઉઠાવવામાં આવશે. વિરોધ પક્ષના નેતાઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મુદ્દે સરકારના નિવેદનની માગણી કરે તેવી ધારણા છે. વિપક્ષે વિદ્યાર્થીઓને રેસ્ક્યૂમાં થયેલા વિલંબના મુદ્દે સરકારની ટીકા કરી હતી.