ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 12 માર્ચે અમદાવાદ ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમમાં 11માં ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવ્યો હતા. આ પ્રસંગે ભવ્ય રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે ખેલાડીઓને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે મારી સામે યુવા જોશનો સાગર છે. આ ફક્ત રમતનો મહાકુંભ નથી પરંતુ ગુજરાતની યુવા શક્તિનો પણ મહાકુંભ છે. મેં રોપેલા બીજને આજે હું આટલા વિશાળ વટવૃક્ષનો આકાર લેતા જોઈ રહ્યો છું. 2010માં પહેલા ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ગુજરાતે 16 રમતોમાં 13 લાખ ખેલાડીઓ સાથે શરૂઆત થઈ હતી. મને ભૂપેન્દ્ર ભાઈએ જણાવ્યું કે 2019માં ખેલ મહાકુંભમાં આ ભાગીદારી 13 લાખથી વધીને 40 લાખ સુધી પહોંચી ગઈ છે. હવે આંકડો 40 લાખથી વધીને 55 લાખ પર પહોંચી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, કોમનવેલ્થ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ સહિત ગુજરાતના ખેલાડીઓ દેશના અને ગુજરાતનો યુવા પોતાનો જલવો દેખાડી રહ્યા છે. આવી જ પ્રતિભા આ મહાકુંભથી બહાર આવવાની છે. ખેલાડી રમતના મેદાનમાંથી ઉભરે છે અને વિશ્વમાં દેશનું ગૌરવ વધારે છે.
ટોકિયો આલિમ્પિક્સનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી યુવાન દેશ રમતના મેદાનમાં પણ એક તાકાત બનીને ઊભર્યો છે. ટોકિયો ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ તેમાં આપણા ખેલાડીઓએ આ પરિવર્તનને સાબિત કર્યું છે. ટોકિયો ઓલિમ્પિક્સમાં ભારતે પ્રથમ વખત સાત મેડલ જીત્યા છે. આ જ રેકોર્ડ ભારતના દીકરા-દીકરીઓએ ટોકિયો પેરાલિમ્પિકમાં પણ બનાવ્યો. ભારતે આ વૈશ્વિક સ્પર્ધામાં 19 મેડલ જીત્યા. પરંતુ આ તો હજી શરૂઆત છે. ભારત રોકાવાનું નથી અને ભારત થાકવાનું નથી. મને મારા દેશની યુવા શક્તિ પર વિશ્વાસ છે. મને મારા દેશના યુવા ખેલાડીઓની તપસ્યા પર વિશ્વાસ છે.
તે દિવસ હવે દૂર નથી જ્યારે આપણે ઘણી રમતોમાં ઘણા ગોલ્ડ એક સાથે જીતવાના છીએ. ભારતનો ત્રિરંગો પણ લહેરાતો હશે. આ વખતે યુક્રેનથી જે યુવાનો પાછા આવ્યા છે, યુદ્ધના મેદાનમાંથી આવ્યા છે, દારૂગોળાની વચ્ચેથી આવ્યા છે. આવીને તેમણે કહ્યું કે આજે ત્રિરંગાની આન, બાન અને શાન શું છે તે અમે યુક્રેનમાં અનુભવ્યું છે. પરંતુ હું એક બીજા દ્રશ્ય તરફ તમને લઈ જવા ઈચ્છું છું, જ્યારે આપણા ખેલાડીઓ મેડલ મેળવીને પોડિયમ પર ઊભા રહેતા હતા અને ત્રિરંગો લહેરાતો હતો અને રાષ્ટ્રગાન ગવાતું હતું ત્યારે આપણા દેશના ખેલાડીઓની આંખોમાંથી ગૌરવ અને ખુશીના આંસુ છલકતા હતા. આ છે દેશભક્તિ. ભારત જેવા યુવા દેશને દિશા આપવામાં તમારા જેવા યુવાનોની મોટી ભૂમિકા છે.