હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે તા. 5ને શુક્રવારે ઔપચારિક રીતે યુક્રેન ફેમિલી સ્કીમ વિઝા લોન્ચ કરી હતી. જે બ્રિટિશ નાગરિકો અને યુકેમાં સ્થાયી થયેલા યુક્રેનના લોકોને રશિયા સાથેના સંઘર્ષથી પ્રભાવિત તેમના યુક્રેનિયન સંબંધીઓને લાવવાની મંજૂરી આપશે.
આ ફેમિલી સ્કીમ વિઝા મફતમાં આપવામાં આવશે અને યુકે સ્થિત નાગરિકોના યુક્રેનિયન પરિવારના સભ્યો અને કાયમી રહેઠાણ ધરાવતા લોકોના સગાને યુકેમાં ત્રણ વર્ષ સુધી રહેવાની પરવાનગી આપવામાં આવશે.
પટેલે યુક્રેન સાથેની સરહદ પર આવેલા પૂર્વ પોલેન્ડના મેડિકામાં પરિસ્થિતિનો હાલ જાણવા પ્રવાસ કર્યો હતો. પોલિશ ડેપ્યુટી ઇન્ટીરીયર મિનિસ્ટર બાર્ટોઝ ગ્રોડેકી સાથે મેડિકામાં યુક્રેનિયન શરણાર્થીઓ માટેના રિસેપ્શન સેન્ટરની મુલાકાત બાદ પટેલે જણાવ્યું હતું કે, “રશિયન આક્રમણને કારણે તેમના વતનમાંથી મજબૂર થયેલા પરિવારો, મહિલાઓ અને બાળકોની હાલત હૃદયદ્રાવક છે. અમારી વિસ્તૃત યુક્રેન ફેમિલી સ્કીમ હવે સંપૂર્ણ રીતે ખુલ્લી છે. અમે ઇચ્છીએ છીએ કે લોકો આ શેતાની આક્રમણના અંતે તેમના ઘરે પાછા ફરવા માટે સક્ષમ બને. સરકાર યુક્રેનના શ્રેષ્ઠ હિતમાં અમારું માનવતાવાદી સમર્થન સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલું બધું કરી રહી છે.”
યુકે હોમ ઑફિસના સ્ટાફે શરણાર્થીઓને સલાહ આપવા માટે પોલેન્ડની મુસાફરી કરી છે. પોલેન્ડના રેઝેઝોમાં એક નવું પોપ-અપ વિઝા એપ્લિકેશન સેન્ટર પણ ખોલવામાં આવ્યું છે અને આગામી સપ્તાહથી આ પ્રદેશમાં વિઝા એપોઇન્ટમેન્ટની કુલ સંખ્યા વધીને 6,000 થઈ જશે.
પોલેન્ડની મુલાકાત પહેલાં પટેલે જણાવ્યું હતું કે “બ્રિટિશ સરકાર આ નિર્ણાયક ક્ષણે યુક્રેનિયન લોકોને ટેકો આપવા માટે શક્ય તેટલું બધું કરશે કારણ કે તેઓ સ્વતંત્રતા માટે લડી રહ્યા છે.”
વડા પ્રધાન બોરિસ જૉન્સને કહ્યું છે કે યુકે આ પહેલ હેઠળ 200,000 અથવા વધુ યુક્રેનિયનોને લઈ શકે છે. વિપક્ષી લેબર પાર્ટીએ રશિયન હુમલાઓથી ભાગી રહેલા યુક્રેનિયનો માટે વધુ ઇમરજન્સી પ્રોટેક્શન વિઝાની માંગ કરી છે.
લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે “યુકેના રહેવાસીઓના ઘણા સંબંધીઓ હજુ પણ ફેમિલી વિઝા હેઠળ યુકે આવવા માટેની લાયકાત ધરાવતા નથી. કોમ્યુનિટી સ્પોન્સરશિપ પ્રોગ્રામ સેટ થવામાં સમય લાગશે, અને બ્રિટનમાં લોકો માટે યુક્રેનિયન મિત્રોને મદદ કરવા માટે હજુ પણ કોઈ જોગવાઈ નથી.”
લિબરલ ડેમોક્રેટ્સે સૂચવ્યું હતું કે સરકારે રાષ્ટ્રપતિ પુતિનની નજીકના ઓલીગાર્કની માલિકીની મિલકતો જપ્ત કરવી જોઈએ અને તેનો ઉપયોગ યુક્રેનિયન શરણાર્થીઓને રહેવા માટે કરવો જોઈએ.
યુકે સરકારે ક્રેમલિન સાથે ગાઢ સંબંધ ધરાવતા રશિયાના બે અગ્રણી ઓલીગાર્ક અલીશેર ઉસ્માનોવ અને ઇગોર શુવાલોવની સંયુક્ત $19 બિલિયનની સંપત્તિ ફ્રીઝ કરવાની અને મુસાફરી પ્રતિબંધના બીજા સેટની જાહેરાત કરી હતી.