રશિયાના આક્રમણના 24 ફેબ્રુઆરીએ આક્રમણ કર્યા બાદ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમીર ઝેલેન્સ્કી બુધવારે રશિયાની કેટલીક મહત્ત્વની શરતો સ્વીકારવા તૈયાર હોવાનો સંકેત આપ્યો છે. અમેરિકાની એક ટીવી ચેનલને આપેલી ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ તેઓ નાટોના સભ્ય બનવા પર હવે ખાસ ભાર આપી રહ્યા નથી. આ ઉપરાંત રશિયાએ યુક્રેનના જે બે પ્રાંતને સ્વતંત્ર જાહેર કર્યા છે તે અંગે પણ તેઓ બાંધછોડ કરવા માટે તૈયાર છે. રશિયા આક્રમણની શરૂઆતમાં યુક્રેનના લુહાન્સ્ક અને ડોનેત્સ્ક પ્રાંતને સ્વતંત્ર જાહેર કરી ચુક્યું છે.
રશિયાએ યુક્રેન પર ચઢાઈ કરવાના જે કારણો આપ્યા હતા તેમાં એક કારણ યુક્રેનના પશ્ચિમી દેશો તરફ વધતા ઝુકાવ અને તેના નાટોમાં જોડાવાના વલણ પ્રત્યે રશિયાની નારાજગીનું પણ હતું.
ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમને સમજાઈ ગયું છે કે નાટો અમને સ્વીકારવા માટે તૈયાર નથી, જેથી હવે અમે તેના પર વિચાર કરવાનું છોડી દીધું છે. નાટોને વિવાદાસ્પદ બાબતો અને રશિયાનો સીધો સામનો કરવાનો ડર સતાવી રહ્યો છે. નાટોના સભ્યપદમાં રસ ના હોવાનું જણાવતા ઝેલેન્સ્કીએ એમ પણ કહ્યું હતું કે તેઓ એવા દેશના પ્રમુખ બનવા નથી માગતા કે જે ઘૂંટણીએ પડીને કોઈની પાસે કંઈક માગવા મજબૂર હોય.
રશિયા અગાઉ પણ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહી ચૂક્યું છે કે યુક્રેન નાટોમાં જોડાય તે તેને મંજૂર નથી. દુનિયામાં કોલ્ડ વૉર શરુ થયું તે વખતે યુરોપને સોવિયેત યુનિયન સામે રક્ષણ આપવા માટે નાટોની રચના કરવામાં આવી હતી. છેલ્લા થોડા વર્ષોમાં નાટોના સભ્યોની સંખ્યા વધી છે, અને રશિયાના પાડોશી દેશો પણ તેમાં જોડાવા દિલચસ્પી બતાવી રહ્યા છે. રશિયા નાટોને પોતાની સુરક્ષા સામે ખતરો ગણાવે છે, કારણકે તેના પાડોશી દેશો પણ તેમાં જોડાતા પશ્ચિમી દેશો રશિયાની ખૂબ જ નજીક પહોંચી ચૂક્યા છે