ભારત અમેરિકાનો મહત્ત્વનો સાથી દેશ છે તથા રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી બદલ શિક્ષાત્મક CAATSA કાયદા હેઠળ ભારત સામે કોઇ પ્રતિબંધ લાદવાની બાબત સંપૂર્ણપણે અવિચારી હશે, અમે ટોચના રિપબ્લિકન સાંસદે બાઇડન સરકારને જણાવ્યું છે.

અમેરિકાએ તેના દુશ્મન દેશો સામે પ્રતિબંધ મૂકવા માટે CAATSA નામનો આકરો કાયદો બનાવેલો છે. આ કાયદા હેઠળ ઇરાન, નોર્થ કોરિયા કે રશિયા સાથે નોંધપાત્ર ટ્રાન્ઝેક્શન કરતાં દેશો સામે અમેરિકા પ્રતિબંધો મૂકે છે. આ કાયદા હેઠળ રશિયા પાસેથી ડિફેન્સ હાર્ડવેરની ખરીદી કરતા દેશો સામે બાઇડન સરકારને પ્રતિબંધ મૂકવાની સત્તા મળે છે.
સેનેટ ફોરેન રિલેશન કમિટીની એક સુનાવણી દરમિયાન સેનેટર ટેડ ક્રુઝે જણાવ્યું હતું કે એવા અહેવાલ છે કે બાઇડન સરકાર વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારત સામે પ્રતિબંધો લાદવાની વિચારણા કરી રહી છે. હું માનું છું કે આવો નિર્ણય સંપૂર્ણપણે અવિચારી હશે. ટેક્સાસ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતાં ક્રુઝે જણાવ્યું હતું કે બાઇડન સરકાર હેઠળ છેલ્લા એક સપ્તાહથી ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો કથળ્યા છે. ભારત સંખ્યાબંધ ક્ષેત્રોમાં અમેરિકાનો મહત્ત્વનો સાથી દેશ છે અને તાજેતરના વર્ષોમાં ભારત-અમેરિકા જોડાણ વ્યાપક અને ઘનિષ્ઠ બન્યું છે. જોકે બાઇડન સરકાર હેઠળ તેમાં પીછેહટ થઈ છે.

યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા કરતા યુએનના ઠરાવમાં મતદાન વખતે ભારતની ગેરહાજરીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારત એકમાત્ર એવો દેશ નથી કે જેને આપણી વિરુદ્ધ અને રશિયાની નિંદાની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. યુએન મતદાનમાં ગેરહાજર રહેવા બદલ કેટલાંક ડેમોક્રેટિક અને રિપબ્લિકન સાંસદોએ ભારતની ટીકા કરી છે.