સુરતના પાંડેસરા વિસ્તારમાં માતા અને પુત્રી પર બળાત્કાર અને તેમની હત્યાના કેસમાં પોસ્કો કોર્ટે સોમવારે દોષિત હર્ષ સહાયને ફાંસીની સજા ફટકારી હતી, જ્યારે સહ આરોપી હરિઓમને આજીવન કેદની સજા કરી હતી. આ બંને આરોપીઓ કઝિન બ્રધર્સ છે. કોર્ટે મૃતકના પરિવારને રૂ. 7.50 લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.

આ કેસમાં 3 દિવસ પહેલા સુરત કોર્ટે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર (31 વર્ષ)ને તેને મદદ કરનારા આરોપી હરિઓમ ગુર્જર (28)ને દોષિત ઠેરવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2018માં 11 વર્ષની માસૂમ બાળકી અને તેની 35 વર્ષની માતા પર બળાત્કાર કરાયો હતો અને હત્યા કરવામાં આવી હતી. આ બંનેને મૃતદેહોને ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યા હતા. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 6 એપ્રિલ 2018ના રોજ ગુનો નોંધાયો હતો.

કોર્ટમાં સરકાર વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી. આરોપીઓએ બાળકી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લાકડી નાંખી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હર્ષસહાયને 11 વર્ષની યુવતી પર રેપ અને જાતિય હુમલાના આરોપમાં પણ દોષી જાહેર કરવામાં આવ્યો હતો. બાળકીના મૃતદેહ પર 86 ઇજાના નિશાન મળ્યો હતો. બાળકી પર એક સપ્તાહ સુધી અમાનુષી ત્રાસ આપવામાં આવ્યો હતો.