યુક્રેન પ્રેસિડન્ટ વોલો઼ડિમિર ઝેલેન્સ્કી સાથે વાતચીત કર્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર (7 માર્ચ)એ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન સાથે વાતચીત કરી હતી તથા યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા ભારતના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. મોદીએ યુક્રેન કટોકટી અંગે પ્રેસિડન્ટ ઝેલેન્સ્કી સાથે સીધી મંત્રણા કરવા માટે પણ પુતિનને અનુરોધ કર્યો હતો. આશરે 50 મિનિટની ટેલિફોનિક વાતચીતમાં મોદી અને પુતિને યુક્રેનની ઊભરતી જતી સ્થિતિની ચર્ચા કરી હતી.
યુક્રેનના સુમી સહિતના કેટલાંક શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત અને માનવીય કોરિડોરની સ્થાપનાને મોદીએ આવકારી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ પુતિને યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભારતના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે શક્ય તમામ સહકાર આપવાની ખાતરી આપી હતી. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી પીએમ મોદીએ બીજી વખત પુતિન સાથે વાતચીત કરી છે. અગાઉ 25 ફેબ્રુઆરીએ મોદીએ ફોન કરીને હિંસાનો તાકીદે અંત લાવવાની અપીલ કરી હતી. મોદીએ તે સમયે પણ ભારતના નાગરિકોના ઇવેક્યુએશન પર ભાર મૂક્યો હતો.