ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર (7 માર્ચ)એ યુક્રેનનના પ્રેસિડેન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી અને યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે યુક્રેનના પ્રેસિડન્ટના મદદ માગી હતી. રશિયાના આક્રમણને પગલે સુમીમાં ભારતના આશરે 700 વિદ્યાર્થીઓએ ફસાયેલા છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આશરે 35 મિનિટ ચાલેલી ફોન વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુક્રેન સરકારની મદદ માટે પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોના ઇવેક્યુએશન માટેના હાલના પ્રયાસોમાં યુક્રેન સરકારનો સપોર્ટ માંગ્યો હતો.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે મોદીએ હાલના યુદ્ધ અને તેના પગલે ઊભી થયેલી માનવીય કટોકટી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી તથા હિંસા તાકીદે બંધ કરવાની અપીલ દોહરાવી હતી. ભારત વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ અને બે પક્ષો વચ્ચે સીધી મંત્રણાની હંમેશા તરફેણ કરે છે.
યુક્રેનમાં યુદ્ધના પ્રારંભ બાદ મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે બીજી વખત ટેલિફોનિક વાતચીત થઈ હતી. નિવેદનમાં જણાવાયું હતું કે પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ યુદ્ધની હાલની સ્થિત તથા યુક્રેન અને રશિયા વચ્ચે હાલમાં ચાલી રહેલી મંત્રણાની માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીએ યુક્રેનમાંથી ભારતના આશરે 20,000 લોકોના ઇવેક્યુએશન માટે યુક્રેન સત્તાવાળાનો આભાર માન્યો હતો.
રશિયાએ હુમલો કર્યો છે ત્યારથી યુક્રેન ભારત તરફ આશાની નજરે જોઈ રહ્યું છે. યુક્રેનના રાજદૂત હોય કે ઝેલેન્સકી પોતે નરેન્દ્ર મોદીને રશિયા સાથે ભારતની મિત્રતા તેમજ પુતિન સાથે મોદીના ગાઢ સંબંધોના પ્રભાવનો ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે. યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ઓપરેશન ગંગા ચાલુ છે.