હિમાલયન કથિત યોગીના ઈશારે ભારતના સૌથી મોટા શેરબજાર નેશનલ સ્ટોક એક્સચેન્જનું સંચાલન કરનાર NSEની ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ કો-લોકેશન કેસમાં રવિવાર રાત્રે ધરપકડ કરી હતી. આ અગાઉ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે કો-લોકેશન કેસમાં તેમના આગોતરા જામીનની અરજી રદ કરી હતી. ચિત્રા પર હિમાલયના કથિત યોગીના ઈશારા પર કામ કરવાનો અને સંવદેશનશીલ જાણકારી શેર કરવાનો આરોપ છે.
શનિવારે સીબીઆઈની કોર્ટ દ્વારા ચિત્રા રામકૃષ્ણની આગોતરા જામીનની અરજી રદ કરી દેવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, ચિત્રાની સામે લાગેલાં આરોપ ખુબ જ ગંભીર પ્રકારના છે. સીબીઆઆઈએ તાજેતરમાં એનએસઈના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમની ચેન્નઈથી ધરપકડ કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, હિમાલયના યોગી બીજું કોઈ નહીં પણ આનંદ સુબ્રમણ્યમ જ છે.
સીબીઆઈએ ગયા અઠવાડિયે એનએસઈ કો-લોકેશન કેસમાં તપાસને આગળ વધારી હતી. સીબીઆઈએ આ મામલામાં 2018માં કેસ દાખલ કર્યો હતો. મે 2018ની ફરિયાદમાં ચિત્રાનું નામ આરોપીઓમાં સામેલ ન હતું. પણ તેમાં એનએસઈ અને સેબીના અમુક અજ્ઞાત અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. એફઆઈઆરમાં ષડયંત્ર, પુરાવાનો નાશ કરવા, પદનો દુરુપયોગ કરવો તેમજ લાંચ જેવા આરોપો લગાવવામાં આવ્યા હતા. ચિત્રા એપ્રિલ 2013થી ડિસેમ્બર 2016 સુધી એનએસઈના એમડી અને સીઈઓ રહ્યા હતા.
કો-લોકેશન કેસ અમુક બ્રોકરોને એનએસઈની કો-લોકેશન સુવિધા મારફતે માહિતી આપવા સાથે સંકળાયેલો છે. આ પ્રકારે અમુક બ્રોકરોને કથિત રીતે લોગિન અને ડાર્ક ફાઈબર સુધી ઝડપી પહોંચની સુવિધા ઉપલબ્ધ હતી. ડાર્ક ફાઈબર હેઠળ બ્રોકરોને એક્સચેન્જના આંકડાઓ સેકન્ડના અમુક હિસ્સા પહેલાં જ મળી જતા હતા. અને જેને કારણે બ્રોકરોને સારો એવો પ્રોફિટ થતો હતો.