શ્રીલંકાની ટીમને ઘરઆંગણે ટી-20 સીરીઝમાં 3-0થી હરાવ્યા પછી રવિવારે (6 માર્ચ) મોહાલી (ચંડીગઢ) માં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજા જ દિવસે શ્રીલંકાને એક ઈનિંગ, 222 રનના જંગી માર્જીનથી હરાવી જબરજસ્ત વિજય નોંધાવ્યો હતો. શ્રીલંકાની ટીમ ભારતમાં બે ટેસ્ટ મેચ રમવાની છે, જેમાં બેંગ્લુરૂમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ ડે-નાઈટ રહેશે.
મોહાલી ટેસ્ટમાં ભારતના નવોદિત સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી અને મેન ઓફ ધી મેચ રવીન્દ્ર જાડેજા તથા ઋષભ પંતની ધમાકેદાર બેટિંગ તેમજ રવિચન્દ્રન અશ્વિનના ઉપયોગી પ્રદાન સાથે ભારતે 8 વિકેટે 574 રનનો જંગી સ્કોર ખડકી દઈ શ્રીલંકાને ભીંસમાં મુકી દીધું હતું.
રવીન્દ્ર જાડેજા 175 રન કરી અણનમ રહ્યો હતો અને તેના કારણે ચાહકોમાં થોડી નારાજગી પણ છવાઈ હતી કે, તેને ડબલ સેન્ચુરી પુરી કરવાની તક શા માટે આપવામાં આવી નહીં. પણ બીજા દિવસની રમતમાં લગભગ ચાના વિરામ સમયે ભારતે ઈનિંગ્સ ડીકલેર કરી હતી. જાડેજા ઉપરાંત શાનદાર બેટિંગ કર્યા છતાં ઋષભ પંત 96 રને આઉટ થઈ જતાં ભારતીય ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા. આર. અશ્વિને પણ ધમાકેદાર 61 રન કર્યા હતા.
એ પછી શ્રીલંકાની પહેલી ઈનિંગમાં ટોપ ઓર્ડર તો કઈંક બરાબર રમી શક્યો હતો અને ટીમનો સ્કોર 161 રન સુધી પહોંચાડ્યો હતો, પણ એ પછી ધબડકો થતાં બાકીની પાંચ વિકેટ ફક્ત 13 રનના ઉમેરા સાથે પડી ગઈ હતી અને 174 રનમાં ઓલઆઉટ થતાં ભારતે 400 રનની જંગી સરસાઈ પછી શ્રીલંકાને ફોલોઓન કરવા જણાવ્યું હતું. ભારત તરફથી જાડેજાએ પાંચ, અશ્વિન અને બુમરાહે 2-2 તથા શામીએ એક વિકેટ ખેરવી હતી. શ્રીલંકા તરફથી 61 રન કરી અણનમ રહ્યો હતો, બાકીના કોઈ બેટ્સમેન 30 સુધી પહોંચી શક્યા નહોતા.
બીજી ઈનિંગમાં તો શ્રીલંકાની શરૂઆત જ નબળી રહી હતી અને એકંદરે તે ફક્ત બે સેશનથી થોડા વધુ સમયમાં, ફક્ત 60 ઓવરમાં 178 રન કરી ઓલાઉટ થઈ ગઈ હતી, જેના પગલે ભારતનો એક ઈનિંગ અને 222 રનના જંગી માર્જીનથી વિજય થયો હતો. જાડેજાએ બીજી ઈનિંગમાં પણ ચાર વિકેટ સાથે એકંદરે આ મેચમાં અણનમ 175 રન અને 9 વિકેટ લઈ એક રેકોર્ડ કર્યો હતો. અશ્નિને પણ આ મેચમાં કુલ છ વિકેટ ખેરવી કપિલ દેવનો 434 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો. હવે તે ભારત તરફથી 435 વિકેટ સાથે બીજા ક્રમનો ટોપ બોલર બની ગયો છે. અશ્વિને ફક્ત 85મી ટેસ્ટ મેચમાં આટલી વિકેટ ઝડપી છે, તે વિશેષ મહત્ત્વનું છે. જાડેજા પણ એક ઈનિંગમાં 175 રન અને પાંચ વિકેટ ખેરવનારો વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો છે.