રશિયાએ યુક્રેન ખાતેના યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો લીધો છે. આ પ્લાન્ટમાં અગાઉ આગ ફાટી નીકળી હતી અને તેનાથી મોટી હોનારતનો ખતરો ઊભો થયો હતો. રશિયાએ આ પ્લાન્ટમાં આગ માટે યુક્રેનને જવાબદાર ગણાવ્યું હતું.
યુક્રેનના ન્યુક્લિયૉર ઇન્સેક્ટરને ટાંકીને ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ઝેપોરોઝી ન્યુક્લિયર પ્લાન્ટના વિસ્તાર પર રશિયાના લશ્કરી દળોએ કબજો કર્યો છે. રશિયાના દળોના ભારે ગોળીબારને કારણે આ પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. જોકે આગને કાબુમાં લેવામાં આવી હતી. પરંતુ તેનાથી રેડિયેશન લિકેજની ચિંતા ઊભી થઈ હતી. યુએસ એનર્જી સેક્રેટરી જેનિફર ગ્રેનહોમે જણાવ્યું હતું કે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના રિએક્ટર્સને મજબૂત કન્ટેનમેન્ટ સ્ટ્રક્ચરની સુરક્ષા છે અને રિએક્ટર્સને સુરક્ષિત રીતે બંધ કરવામાં આવ્યા છે.આ પ્લાન્ટની નજીક રેડિયેશનમાં કોઇ વધારો થયો નથી.
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમીર ઝેલેન્સ્કીએ રશિયા પર ચર્નોબિલ ન્યુક્લિયર હોનારતનું પુનરાવર્તન કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે આ પ્લાન્ટની કટોકટી અંગે અમેરિકામાં પ્રેસિડન્ટ જો બાઇડન સહિતના વૈશ્વિક નેતાઓ સાથે વાત કરી છે.
આ યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, જે ચર્નોબિલ કરતા 10 ગણો મોટો છે. યુક્રેન અને યુરોપના લોકો હજુ 1986ની ઘટના ભૂલી શક્યા નહી હોય. ત્રણ દાયકા પહેલા જે ઘટના ચર્નોબિલમાં બની હતી તે લોકો હજુ પણ આગામી દાયકાઓ સુધી યાદ રહેશે.
યુક્રેનમાં ચાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. દાવો કરાય છે કે યુક્રેનની કુલ વીજળીમાંથી આ પ્લાન્ટ 25% વીજળીનું ઉત્પાદન કરે છે.યુક્રેનના પ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ શુક્રવારે એક તાત્કાલિક વીડિયો મેસજ જારી કર્યો છે. જેમાં તેમણે ચર્નોબિલની યાદ અપાવતી ચેતવણી આપી હતી કે તેનાથી પણ ભયાનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઝેલેન્સ્કીએ કહ્યું, “રશિયા સિવાય કોઈ અન્ય દેશો ન્યુક્લિયર પાવર યુનિટ્સ પર હુમલા નથી કર્યા. આ ઇતિહાસમાં પહેલીવાર થયું છે, માનવ ઇતિહાસમાં પહેલી વાર. આતંકી દેશે હવે ન્યુક્લિયર ટેરર ફેલાવવાનું મન બનાવી લીધું છે.”