દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ પશ્ચિમના દેશોએ પ્રતિબંધ મૂક્યા છે તેવી રશિયાની કંપનીઓના ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવાનું બંધ કર્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે યુક્રેન પરના આક્રમકને પગલે પશ્ચિમના દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો મૂકયા છે.
આ અંગે એસબીઆઇએ એક પરિપત્ર જારી કર્યો છે, કારણ કે પ્રતિબંધ હેઠળની કોઇ કંપની કે ક્ષેત્રો સાથેના ટ્રાન્ઝેક્શનથી ખુદ એસબીઆઇ પર પ્રતિબંધો આવી શકે છે. અમેરિકા, યુરોપ કે સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિબંધોની યાદીમાં આવતી કંપનીઓ, બેન્કો, પોર્ટ કે જહાજો સંબંધિત ટ્રાન્ઝેક્શન કોઇપણ પણ કરન્સીમાં હોય તો પણ તેને પ્રોસેસ કરવામાં આવશે નહીં.
સૂત્રોએ જણાવ્યું હતું કે આવા એકમોના બાકી પેમેન્ટનું બેન્કિંગ માધ્યમ સિવાયના બીજા કોઇ માધ્યમ મારફત સેટલમેન્ટ કરવામાં આવશે.એસબીઆઇ મોસ્કોમાં કોમર્શિયલ ઇન્ડો બેન્ક નામનું સંયુક્ત સાહસ ધરાવે છે, જેમાં કેનરા બેન્કની ભાગીદારી 40 ટકા છે. આ મુદ્દે એસબીઆઇએ કોઇ પ્રતિક્રિયા આપી ન હતી.રશિયા ભારત માટે ડિફેન્સ પ્રોડક્ટ્સ અને ઇક્વિપમેન્ટનો સૌથી મોટો સપ્લાય છે. ભારત મોટાભાગે સરકાર કોન્ટ્રાક્ટ કરીને આ ખરીદી કરતી હોય છે.
ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 9.4 અબજ ડોલર રહ્યો છે. 2020-21ના વર્ષમાં બંને દેશો વચ્ચે 8.1 અબજ ડોલરનો વેપાર થયો હતો. ભારત ખાસ કરીને ફ્યુઅલ, મિનિરલ ઓઇલ, મોતી, હીરા, અણુ રિએક્ટર્સ, બોઇલર્સ, મશીનરી, મેકેનિકલ એપ્લાયન્સિસ, ઇલેક્ટ્રિકલ મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ અને ફર્ટિલાઇઝર્સની રશિયામાંથી આયાત કરે છે. રશિયામાં ભારતની નિકાસમાં ફાર્મા પ્રોડક્ટ, ઇલેક્ટ્રિકલ મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ, ઓર્ગેનિક કેમિકલ્સ અને વ્હિકલ્સ વગેરેનો સમાવેશ થાય છે.