ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઇએ ગુરુવાર (3 માર્ચ)એ રાજ્યનું વર્ષ 2022-23 માટેનું કોઇ નવા કરવેરા વગરનું અને પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાને કુલ રૂ.2,43,965 કરોડ બજેટનું રજૂ કર્યું હતું. આ બજેટમાં બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ભૂપેન્દ્ર પટેલ સરકારનું પહેલું તેમજ વિધાનસભા ચૂંટણી પહેલાનું આ આખરી બજેટ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી નવા કરવેરા વિનાના આ બજેટમાં ‘સ્કૂલ ઓફ એક્સલેન્સ’ પ્રોજેક્ટ, મોરબીમાં સિરામિક પાર્ક, સગર્ભા મહિલાને હજાર દિવસ સુધી દર મહિને ફ્રીમાં કિલો દાળ, બે કિલો ચણા અને 1 લિટર ખાદ્યતેલ આપવાની સાથે ત્રણ નવી મેડિકલ કોલેજો બનાવવા સહિતની અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે. બજેટ પ્રવચનમાં કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોની માથાદીઠ આવક 2.14 લાખ પર પહોંચી છે, જ્યારે જીડીપી વધીને રૂ.20 લાખ કરોડ થઈ છે.
રાજ્યમાં અત્યાર સુધી ટૂંકી મુદ્દતના ધિરાણ પર વ્યાજ રાહત યોજનાનો લાભ માત્ર ખેડૂતોને જ મળતો હતો, પરંતુ હવે પશુપાલકો અને માછીમારોને પણ તેમાં સાંકળી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની પણ બજેટમાં જાહેરાત કરાઈ છે, જેના માટે રુ.500 કરોડ ફાળવાયા છે. આ યોજનામાં પાંજરાપોળોને સહાયતા કરવા ઉપરાંત રખડતા અને નિરાધાર પશુઓની સમસ્યા ઉકેલવા પણ ખાસ પ્રયાસો કરાશે. બજેટમાં નાણાપ્રધાને રૂ.10 હજાર કરોડના ખર્ચે સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. વર્લ્ડ બેન્કના સહયોગથી શરુ થનારા આ પ્રોજેક્ટમાં 70 લાખથી વધુ વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ ઉભી કરી ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવશે. નાણાપ્રધાને બજેટમાં ‘સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના’ની પણ જાહેરાત કરી છે. જેમાં સગર્ભા અને ધાત્રી માતાને એક હજાર દિવસ સુધી વિના મૂલ્યે 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લિટર ખાદ્યતેલ અપાશે.
બજેટમાં શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ રુ. 34,884 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સલેન્સ યોજના હેઠળ 1188 કરોડ તેમજ આગામી વર્ષે 10 હજાર નવા ક્લાસરુમ બનાવવા માટે 937 કરોડ ફાળવાયા છે. બાલાછડી સૈનિક સ્કૂલને આધુનિક બનાવવા તેમજ તેમાં સરકારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને એડમિશન મળે તો તમામ સેવા નિશુલ્ક મળે તે માટે 28 કરોડ ફાળવાયા છે, જ્યારે RTEમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓ માટે 629 કરોડની ફાળવણી કરાઈ છે. નમો ટેબ્લેટ યોજના અંતર્ગત 3 લાખ જેટલા સ્ટૂડન્ટ્સને ટેબ્લેટ આપવા 200 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સુરત અને ગિફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન બનાવવાની જાહેરાત બજેટમાં કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.12,024 કરોડ રુપિયાની ફાળવણી કરાઈ છે. હાલ રાજ્યમાં 23 હજાર કરોડના જુદા-જુદા રસ્તાના કામો પ્રગતિ હેઠળ છે. આગામી વર્ષમાં પણ 10 હજાર કરોડના રસ્તાના કામો હાથ ધરવામાં આવશે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવેને સિક્સ લેનનો કરવાની કામગીરી માટે રૂ.3350 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તારો તથા પ્રવાસન સ્થળોને જોડતા 830 કિમીના 49 રસ્તાને 2801 કરોડના ખર્ચે ફોરલેન કરવામાં આવશે. 1253 કિમી લાંબા 79 રસ્તાને પહોળા કરી 7 અથવા 10 મીટરના બનાવવા રૂ.1537 કરોડ રુપિયાની ફાળવણી કરાઈ છે.
બજેટમાં ઇ-વ્હિકલને લોકપ્રિય બનાવવા માટે અનેક જાહેરાત કરાઈ હતી. આગામી વર્ષમાં એસટી વિભાગ માટે 50 નવી ઈલેક્ટ્રીક તેમજ 1200 બીએસ-6 બસો ખરીદવામાં આવશે, જેના માટે રૂ.379 કરોડની જોગવાઈ કરાઈ છે. ઈલેક્ટ્રીક વાહનો પર પણ આગામી ચાર વર્ષમાં 1.10 લાખ ટુ વ્હીલર માટે વાહન દીઠ મહત્તમ રૂ.20 હજાર, 70 હજાર થ્રી વ્હીલર માટે રૂ.50 હજાર અને 20 હજાર ફોર વ્હીલર માટે રૂ.1.50 લાખની સબસીડી અપાશે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે રૂ.2310 કરોડની જોગવાઈ, ટ્રેક્ટર તેમજ વિવિધ મશીનરીની ખરીદીમાં સહાય આપવા રૂ.260 કરોડની જોગવાઈ, રૂ.231 કરોડ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે ફાળવાયા હતા. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે રૂ.213 કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 12,240 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં કિશોરીઓ અને મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃત કરવા વિનામૂલ્યે સેનેટરીપેડ ઉપલબ્ધ કરાવવા, કિશોરીઓમાં આયર્નની કમી પૂરી કરવા મોનિટરિંગ કરાશે તેમજ આયર્ન સુક્રોઝના ઈન્જેક્શન આપવા ઉપરાંત બાલ અમૃત પોષણ યોજના માટે 20 કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત 2022-23માં નવી 90 ખિલખિલાટ વાન ઉપલબ્ધ કરાવાશે જ્યારે મા યોજના, પીએમ જન આરોગ્ય યોજના માટે 1556 કરોડની તેમજ આરોગ્ય કેન્દ્રોની માળખાકિય સગવડોના વિકાસ માટે 629 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.