યુક્રેન ભારતના વિદ્યાર્થીઓનો માનવઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું હોવાના રશિયાના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને આવેલા અહેવાલને પગલે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે યુક્રેનના સૈન્ય દ્વારા ભારતના વિદ્યાર્થીઓને બંધક બનાવાયા હોવાના કોઈ રિપોર્ટ્સ નથી.
ભારત ઓપરેશન ગંગા હેઠળ સતત ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ લાવવાની કામગીરી કરી રહ્યું છે. આ માટે મોદી સરકારે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના પ્રધાનોને જવાબદારી સોંપી છે. ભારતના કેટલાક વિદ્યાર્થીઓને યુક્રેન દ્વારા બંધક બનાવીને તેમને દેશ છોડવાની મંજૂરી આપવામાં નથી આવી રહી તેવા રિપોર્ટ્સને ફગાવી દીધા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ જણાવ્યું છે કે, “આપણી એમ્બેસી યુક્રેનમાં છે કે જે સતત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના સંપર્કમાં છે. આ સિવાય યુક્રેનના સહયોગથી ઘણાં ખારકીવમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ત્યાંથી ગઈકાલે બહાર કાઢવામાં મદદ મળી હતી. અમને એક પણ વિદ્યાર્થીને બંધક બનાવ્યાના રિપોર્ટ્સ મળ્યા નથી.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “અમે યુક્રેનના વહીવટી તંત્રને ખારકીવ તથા યુક્રેનના પશ્ચિમ ભાગોમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર લાવાવ માટે સહયોગ આપવા માટે પણ ભલામણ કરી છે.”
રશિયાએ એવો દાવો કર્યો હતો કે યુક્રેનની સેના દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને બંધક બનાવવામાં આવ્યા છે, જેમનો ઉપયોગ ઢાલ તરીકે કરવામાં આવી રહ્યો છે અને તેમને રશિયામાં બેલગોરાડો જતા અટકાવવામાં આવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ એમ પણ જણાવ્યું કે, યુક્રેનના પાડોશી દેશોની મદદના કારણે યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં મોટી સફળતા મળી રહી છે.
તેમણે કહ્યું કે, “અમે ઝડપથી રશિયા, રોમાનિયા, પોલેન્ડ, હંગેરી, સોલવાકિયા અને મોલડોવા દેશો સાથે પણ તાલમેલ બેસાડી રહ્યા છીએ. પાછલા દિવસોમાં મોટી સંખ્યામાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાની કામગીરી કરાઈ છે. આ બધા માટે યુક્રેનના વહીવટી તંત્રની જે મદદ મળી તે પણ પ્રશંસનીય રહી છે. અમે યુક્રેનના પશ્ચિમના પાડોશી દેશોના પણ આભારી છે કે તેમના થકી ભારતીય ફ્લાઈટ્સને તેમની ધરતી પર ઉતારીને ભારતીયોને પરત લાવી શક્યા છીએ.”