ભારત એક વૈવિધ્યસભર આસ્થા ધરાવતી સિવિલ સોસાયટીનું ઘર છે અને ધાર્મિક સહિષ્ણુતાના ગૌરવપૂર્ણ ઇતિહાસ સાથે વિશ્વની સૌથી ધાર્મિક રીતે વૈવિધ્યસભર સમુદાયોમાંનુ એક છે એમ યુકે પાર્લામેન્ટે એક સંસદીય ચર્ચા દરમિયાન જણાવ્યું હતું.
તા. 24ના રોજ લંડનમાં હાઉસ ઓફ કોમન્સ સંકુલના વેસ્ટમિન્સ્ટર હોલમાં ‘ખ્રિસ્તીઓ અને ધાર્મિક લઘુમતી: ભારત’ શીર્ષક પર યોજાયેલી ચર્ચાનો જવાબ આપતા, યુકેના મિનિસ્ટર ઓફ ઇક્વાલીટીઝ કેમી બેડનોચે ભારત અને યુકે વચ્ચેના “ખુલ્લા અને રચનાત્મક સંવાદ” પર પ્રકાશ પાડતા પુનરોચ્ચાર કર્યો હતો કે ઇન્ડો પેસિફીક તરફ બ્રિટનની વિદેશ નીતિના ઝુકાવ માટે યુકે-ભારતના સંબંધો “કેન્દ્રીય” છે. ભારત, યુકેની જેમ, ઘણા વિવિધ ધર્મ સમુદાયો ધરાવતો સમાજ છે. તે ધાર્મિક સહિષ્ણુતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવે છે અને તે વિશ્વના સૌથી વધુ ધાર્મિક રીતે વૈવિધ્યસભર સમાજોમાંનો એક છે, જેમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સહિત નોંધપાત્ર ધાર્મિક લઘુમતી સમુદાયો છે. 1.3 અબજ લોકોના દેશમાં, પ્રદેશ અને તેમની સામાજિક અને આર્થિક સ્થિતિના આધારે લઘુમતીઓ માટેની પરિસ્થિતિ બદલાય છે. તે સ્વતંત્રતાઓ અને અધિકારોને જાળવી રાખવા ભારત સરકાર પર નિર્ભર છે.
સંસદસભ્યો માટે ચર્ચાનું આયોજન કરનાર ઇન્ટરનેશનલ ફ્રીડમ ઓફ રીલીજીયન ઓર બીલીફ માટેની ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) ના અધ્યક્ષ અને ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (DUP) ના સાંસદ જીમ શેનને જણાવ્યું હતું કે “આ ચર્ચા ભારતની વધુ સારી બાબતો તરફ ધ્યાન દોરે છે, હંમેશા ધ્યાનમાં રાખજો કે જીવનમાં બધી જ બાબતો વધુ સારી બનશે.’’
કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો થેરેસા વિલિયર્સ અને બોબ બ્લેકમેન પણ ચર્ચામાં જોડાયા હતા. તેમણે ભારતમાં ધર્મની સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર છે તે વાતને હાઇલાઇટ કરવા માટે વાત કરી હતી.
એમપી બોબ બ્લેકમેને કહ્યું હતું કે ‘’ભારતનું બંધારણ ધાર્મિક લઘુમતીઓનું રક્ષણ કરે છે. મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ અને જૈનો માટે લઘુમતી સમુદાયનો દરજ્જો માત્ર કાયદા દ્વારા સુરક્ષિત નથી, પરંતુ તેઓને તેમની વ્યક્તિગત ઓળખને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાથી ટોરી સાંસદ, ફિયોના બ્રુસે કહ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં ધાર્મિક લઘુમતીઓ સાથે વધતા ભેદભાવ અને સતામણીના અહેવાલો છે પરંતુ ભારત જે ઇસ્લામોફોબિયા અને ક્રિશ્ચિયનફોબિયાનો અનુભવ કરી રહ્યું છે તેના જવાબમાં હિન્દુફોબિયા થઈ શકે છે. આ બધું ભારતના સ્થાપક સિદ્ધાંતોથી ઘણું દૂર છે. તે આધુનિક ભારત પર એક દુઃખદ ડાઘ છે.”