વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ તેમજ સેવા પ્રદાન કરનારા લોકો અને સંસ્થાઓને નડતા પડકારોની ચર્ચા કરવા 21 ફેબ્રુઆરીના રોજ એનબીટીએ દ્વારા એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT)ના સમર્થનથી લોર્ડ જીતેશ ગઢિયાની અધ્યક્ષતામાં એક વેબિનાર યોજવામાં આવ્યો હતો.
સેમિનાર દરમિયાન, NHSBTના એસોસિયેટ મેડિકલ ડાયરેક્ટર શ્રી ક્રિસ કલાઘન અને સેન્ટ હેલિયર હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડૉ. ડેવિડ મેકનજૌલાએ ટ્રાન્સપ્લાન્ટેશનમાં વર્તમાન અસમાનતાઓ તેમજ અંગ પ્રત્યારોપણના ઉપયોગી પાસાઓ પર ચર્ચા કરી હતી. તેમણે વંશીય લઘુમતી પશ્ચાદભૂના દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટીંગ લીસ્ટમાં લાંબો સમય સુધી રાહ જોવા પડતી હોવાના કારણો અમે મુશ્કેલીઓ વિષે ચર્ચા કરી હતી. વંશીય લઘુમતીના લોકોમાં અંગ પ્રત્યારોપણ અને અંગ દાન માટે સમર્થન વધારવા માટે ચાલી રહેલા કાર્યને પૂરક બનાવવાની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
NBTA એમ્બેસેડર લોર્ડ જિતેશ ગઢિયાએ કહ્યું હતું કે “એક પાર્લામેન્ટેરીયન તરીકે મેં અંગદાનમાં ઊંડો રસ લીધો છે. વંશીય લઘુમતી સમુદાયો પર તેની અપ્રમાણસર અસર છે. ગયા વર્ષે ઑપ્ટ-આઉટ સિસ્ટમની રજૂઆત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા લોકો માટે નવી આશા લાવી છે. વધુમાં, આપણે નવી ટેક્નોલોજી અને નવીનતાઓનો ઉપયોગ કરીને અંગોના ઉપયોગને સુધારવાની જરૂર છે જેથી UK અંગ દાન અને પ્રત્યારોપણમાં વિશ્વ અગ્રણી બનવાની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરી શકે.’’
સત્ર દરમિયાન ચર્ચા કરાયેલા બે મુખ્ય વિષયોમાં દર્દીઓને સાંસ્કૃતિક રીતે યોગ્ય માહિતી પૂરી પાડવાનું મહત્વ અને દર્દીઓને અનુકુળ ભાષાનો ઉપયોગ કરવાની ચાલુ જરૂરિયાતનો સમાવેશ થાય છે.
NBTA ના પ્રમુખ કિરીટ મોદીએ કહ્યું હતું કે “અમે અંગદાનની સાથે અંગ પ્રત્યારોપણ પર ધ્યાન આપવાનું સ્વાગત કરીએ છીએ. અમે અંગ દાન માટે જનજાગૃતિ અને સમર્થનમાં સતત વધારો જોઈ રહ્યા છીએ. એનબીટીએ આ મુદ્દાને સંબોધિત કરવા માટે NHSBT અને અન્ય લોકો સાથે કામ કરવા આતુર છે.”
વેબિનારમાં NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કાર્યરત વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી સ્ટાફની સંખ્યા વધારવાની રીતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.